હુમલામાં ઇજાગ્રસ્ત કંચનબેન રૂપાપરા (ઉ.વ.50)ને લોહીલુહાણ હાલતમાં જૂનાગઢ સારવારમાં ખસેડાઇ: પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
(આઝાદ સંદેશ), રાજકોટ : જેતપુરના અકાળા ગામની સીમમાં અમારા રસ્તાની કેનાલ પાસેથી ચાલવુ નહિ તેમ કહી મહિલા પર સેઢા પાડોશી બે શખ્સે ધારીયા અને પાઈપથી હિંચકારો હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલ મહિલાને લોહીલુહાણ હાલતમાં જૂનાગઢ સારવારમાં ખસેડાઇ હતી. બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, અકાળા ગામે રહેતાં કંચનબેન ગાંડુભાઈ રૂપાપરા (ઉ.વ.50) એ શેઢા પાડોશી કાના દેવશી રૂપાપરા અને સુરેશ નામના શખસ સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, તે ખેતીકામ કરે છે. તેમને સંતાનમાં બે પુત્રો છે, જેમાંથી એક ગોંડલ અને એક રાજકોટ રહે છે. ગઇ તા.15 ના તેમના પતિ ગાંડુભાઈ રૂપાપરા ખેતરે કામે જતા રહેલ અને તેણી તેમનુ ટીફિન લઈ વાડીએ દેવા માટે જતી હતી તે વખતે સવારના સમયે ખેતરની બાજુમા ગામના કાનજી રૂપાપરાની વાડીની કેનાલ પાસે પહોંચતા કાનજીની વાડીએ કામ કરતો મજુર સુરેશ તેમનો પાસે આવી કહેવા લાગેલ કે, અમારા રસ્તાની કેનાલ પાસેથી ચાલવુ નહિ તેમ કહી તેમના હાથમા રહેલ ધાર્યાના હાથા વડે ઘા ઝીંકવા લાગ્યો હતો. તે વખતે આ કાનજી રૂપાપરા પણ આવી જતા તેના હાથમાં રહેલ લોખંડના પાઈપ વડે હુમલો કરી દિધો હતો. ફરિયાદીને શરીરે ઢોર મારમારી જમીન ઉપર પાડી દીધેલ તે વખતે સુરેશ ખંભાના ભાગે ધાર્યું મારવા જતા અંગુઠાના ભાગે ધાર્યુ લાગી જતા મને લોહી નિકળવા લાગેલ અને બુમાબુમ કરતાં બંને શખ્સો ગાળો આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેણીએ 181 માં કોલ કરતા 181 ની ટીમ દોડી આવી હતી અને તેણીને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સારવારમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.