ધોરાજી માવતર ધરાવતા હેમાલીબેન ગુજરાતી (ઉ.વ.33)ના 15 વર્ષ પહેલા લગ્ન થયા’તાં : બે દિકરી મા વિહોણી થઇ: કારણ જાણવા પોલીસ તપાસ
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી ધોરાજીની પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.
મળતી માહિતી મુજબ, શહેરના કોઠારીયા સોલવન્ટ નજીક સિતારામ સોસાયટીમાં રહેતી હેમાલીબેન મનોજભાઇ ગુજરાતી (ઉ.વ.33) નામની પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.હેમાલીબેને સાંજે ઝેર પી લીધા બાદ પોતાને ગભરામણ થાય છે તેમ કહ્યું હતું અને બાદમાં ઉલ્ટીઓ કરવા માંડતાં તેણે ઝેર પીધાની ખબર પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર હેમાલીબેનના માવતર ધોરાજી રહે છે. તેણીના પિતાનું નામ રજનીકાંતભાઇ સોલંકી છે. તેણીના લગ્ન પંદર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્રી છે. પતિ મનોજભાઇ રિક્ષા હંકારે છે અને છુટક મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે પત્નિ પણ ઘરમાં મદદરૂપ થવા પેકેજીંગના કારખાનામાં નોકરીએ જતી હતી. સાંજે તેણે ઘરે આવી કોઇપણ કારણોસર આ પગલુ ભરી લીધુ હતું. પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.