બુધવાર, ડિસેમ્બર 18, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટજીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા તા. 20થી 22 કોમર્સ બઝનું આયોજન

જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા તા. 20થી 22 કોમર્સ બઝનું આયોજન

ત્રણ દિવસ દરમિયાન બઝ બ્રોડકાસ્ટ, વોકલ ટુ લોકલ, પોર્ટેટ મેકિંગ અને બ્રાન્ડ કોર્પ કોમ્પિટીશન જેવા કાર્યક્રમોની હારમાળા : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓએ આપી માહિતી : કોમર્સ બઝ-2024-25માં શાળા-કોલેજના વાણિજ્ય અને હ્યુમિનિટીના વિદ્યાર્થીઓ કૌશલ્યનો પરિચય આપશે

(આઝાદ સંદેશ), રાજકોટ : દર વર્ષની પરંપરા અનુસાર વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, રોકાણ, કલા, સંસ્કૃતિ અને વાસ્તવિક દુનિયાની નવી શોધખોળને ઉજાગર કરવાના હેતુસહ જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા વાણિજ્ય અને હ્યુમિનીટીના વિદ્યાર્થીઓ માટે તા. 20 થી 22 ડિસેમ્બર દરમિયાન ‘કોમર્સ બઝ-યંગ માઈન્ડસ, બિગ આઈડિયા’ ત્રણ-દિવસીય ભવ્ય ઈવેન્ટનું આયોજન ચૌધરી હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં થવા જઈ રહ્યું છે. જેમાં જીનિયસ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, એમ.જે. કુંડલીયા કોલેજ અને સદગુરુ હોમ સાયન્સના વિદ્યાર્થીઓ જોડાશે. આ ત્રિ-દિવસીય ઈવેન્ટમાં શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે અનેકવિધ વિષયોને આવરી લેતી સ્પર્ધાઓ, કાર્યશાળાઓ, વક્તવ્યો તેમજ કલા ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃતિઓના આયોજન થનાર છે.
આ ઈવેન્ટના આયોજનના હેતુ અંગે માહિતી આપતા જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી મહેતા જણાવે છે કે આ ઈવેન્ટ પાછળનો મુખ્ય વિચાર યુવા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રાત્સાહન આપવાનો અને વિવિધ સ્પર્ધાઓ દ્વારા તેમની કુશળતા અને પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પુરુ પાડવાનો છે. ‘કોમર્સ બઝ’ એ એક એવું પ્લેટફોર્મ છે જે ઉદ્યોગસાહસિકતા, કલા, સંસ્કૃતિ અને બિઝનેસ કૌશલ્યોને પ્રોત્સાહન આપે છે અને વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે કારકીર્દિ બનાવવા આકર્ષે છે. ત્રણ દિવસ દરમિયાન વયજુથ અનુસાર આયોજીત અનેકવિધ કાર્યક્રમો વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન સાથે કારકીર્દિ ઘડતર માટે પણ પથ પ્રદર્શિત કરવા મહત્વપૂર્ણ ભાગ ભજવશે. આ કાર્યક્રમમાં શહેરની અનેક શાળાઓના વિદ્યાર્થીઓને સહભાગી થવા આમંત્રીત કરાયા છે, જેની સફળતા માટે અમે આશાવંત છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીનિયસ ગુપ ઓફ સ્કુલ દ્વારા ભૂતકાળમાં ટ્રેડ મેનિફેસ્ટો, યુથ ફિએસ્ટા જેવી અનેક ઇવેન્ટસ યોજવામાં આવી છે, જેમાં આ ‘કોમર્સ બઝ’ એ નવો મણકો છે, જે આજના સમયની જરુરીયાતને લક્ષમાં રાખી તૈયાર કરાયો છે.
કાર્યક્રમની રૂપરેખા જોઈએ તા. 21 ડિસેમ્બરના સવારે 09:30 થી 11:30 દરમિયાન બઝ બ્રોડકાસ્ટ કાર્યક્રમમાં ધોરણ 06 થી 12ના વિદ્યાર્થીઓ માટે વાતચીત અને કલાત્મક કુશળતા વિકસાવવા વ્યક્તિગત અને જુથ પ્રવૃતિઓ કરવામાં આવશે. આ પ્રવૃતિમાં વિદ્યાર્થીઓને જે-તે ઉત્પાદકને પોતાના દ્વારા કાલ્પનિક નામ અને ટેગ લાઈન આપીને ચાર્ટ, પ્રેઝન્ટેશન અથવા ચિત્રોના માધ્યમથી નવીનતમ વિચારોને ચરિતાર્થ કરતી જાહેરાતરુપે નિયત સમય દરમિયાન નિર્ણાયકો સમક્ષ રજુ કરવાનું રહેશે. તા. 21 ડિસેમ્બરના રોજ સવારે 10:30 થી બપોરે 01:00 દરમિયાન પોર્ટ્રેટ મેકિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ઈવેન્ટમાં શાળાના 03 થી 08 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. જેમાં બિઝનેસ થીમ ઉપર વાણિજ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ, કંપની, ઉત્પાદન, લોગોના ચિત્રો 90 મિનિટના સમયગાળામાં તૈયાર કરી રજુ કરવાના રહેશે. આ સ્પર્ધા માટેની સામગ્રી સ્પર્ધકોએ સાથે લાવવાની રહેશે. આ જ દિવસે એટલે કે તા. 21 ડિસે.ના રોજ બપોરે 12:00 થી 01:30 દરમિયાન વોકલ ટુ લોકલ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતના કોઈપણ ક્ષેત્રમાં વસનાર ઉદ્યોગસાહસિક સ્ત્રી કે પુરુષ એ શરુ કરેલ વ્યવસાય કે ઉદ્યોગ પાછળ તેઓના સંધર્ષ અને સફળતાની ગાથા પાવર પ્રેઝન્ટેશન અથવા વિડીઓના સ્વરુપે અંકિત કરીને નિર્ણાયકો સમક્ષ નિયત સમયમાં રજુ કરવાનું રહેશે.
આ ઇવેન્ટમાં જીનિયસ ગ્રુપની શાળાઓના મેન્ટર્સ અને હોદેદારોના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, એમ.જે. કુંડલીયા કોલેજ અને સદગુરૂ હોમ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર આયોજનની જવાબદારી ઉઠાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓમાં આ ઇવેન્ટ માટે થનગનાટ વ્યાપી રહ્યો છે ચેરમેન ડી.વી. મહેતા અને સીઇઓ ડીમ્પલબેન મહેતા, તમામ ફેકલ્ટીઓ, આયોજકો અને વિદ્યાર્થીઓ તરફથી ભાવભીનુ આમંત્રણ પાઠવવામાં આવે છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને વધુ માહિતી માટે ભાવેશભાઈનો આપેલ +91 76980 78876 નંબર ઉપર સવારે 09:30થી 12:30 દરમિયાન સંપર્ક કરવો તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર