મહાનગરપાલિકાના પાંચ ટી.બી. યુનિટોમાં સૌથી વધુ કેસ નંદનવન આરોગ્ય કેન્દ્ર યુનિટમાં નોંધાયા: 201પની સાપેક્ષ ટીબીની બીમારીમાં ઘટાડો કરવા સરકારનું 100 દિવસનું અભિયાન દરમિયાન ઘેરઘેર ફરીને ટીબીના દર્દીઓની જાણકારી મેળવશે મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા 2015ની સાપેક્ષ ટીબીના દર્દીઓની સંખ્યામાં અને ટીબીથી થતાં મૃત્યુના દરમાં ઉત્તરોત્તર ઘટાડો કરવાના આશયથી તા. 7 ડિસેમ્બરથી શરૂ કરાયેલા 100 દિવસનું અભિયાન તા. 24 માર્ચે વર્લ્ડ ટીબી ડે નિમિત્તે પુર્ણ થવાનું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં જાન્યુઆરીથી નવેમ્બર માસના અગિયાર મહિનાના ગાળામાં ટીબીના 2148 દર્દીઓ મળ્યા મળ્યા છે. મહાનગરપાલિકા દ્વારા ટીબીના દર્દીઓ શોધવા અલગ અલગ પાંચ ટી.બી. યુનિટો બનાવાયા છે. આમા વોર્ડ નં.10માં નંદનવન આરોગ્ય કેન્દ્ર ટીબી યુનિટમાં સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે.
કેન્દ્ર સરકારના આદેશના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. 7 ડિસેમ્બરથી ટીબી નાબુદી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 100 દિવસ ચાલનારૂં આ અભિયાન વર્લ્ડ ટીબી ડે તા. 24 માર્ચે પુર્ણ થશે. આ સો દિવસના અભિયાન દરમિયાન દેશમાંથી 2015ની સાપેક્ષ ટીબી દર્દીઓને શોધી દેશને ટીબી મુક્ત દેશ બનાવવાના આશયથી કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશમાંથી ટી.બી. રોગને નાબૂદ કરવા તા.7 ડીસેમ્બરેના દેશમાં કુલ 347 જિલ્લાઓમાં 100 દિવસની સઘન ટીબી નુર્મૂલન ઝુંબેશ ચાલી રહી છે. ગુજરાત રાજયના 16 જીલ્લાઓ અને રાજકોટ સહિત 4 કોર્પોરેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઝુંબેશ દરમિયાન ટી.બી. સંવેદનશીલ વિસ્તારમાં આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈ, ટી.બી. રોગ વિષે માહીતગાર કરશે અને ટી.બી. રોગનું સ્ક્રીનીંગ કરી, તેઓના ગળફાની લેબોરેટરી તપાસ અને છાતીના એક્સ-રે માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવા માટે સલાહ આપશે. આ ઝુંબેશમાં નવા શોધાયેલા ટી.બી.ના તમામ દર્દીઓને જરૂરી સારવારમાં નિક્ષય પોષણ સહાય યોજનાનો લાભ આપવામાં આવશે. નિક્ષય મિત્ર દ્વારા ન્યૂટ્રીશન કીટ આપવામાં આવશે. આ સાથે નિદાન થયેલ ટી.બી.ના દર્દીઓના કુટુંબના તમામ સભ્યોનું ટી.બી. રોગ અંતર્ગત સ્ક્રીનીંગ કરી, ટી.બી. રોગ નેગેટીવ તમામ દર્દીઓને ટી.બી. રોગ પ્રિ-વેન્ટીવ સારવાર આપવામાં આવનાર છે.એક તરફ આ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 2024ના વર્ષમાં જ જાન્યુુઆરીથી નવેમ્બર માસના અગિયાર મહિનાના સમયગાળામાં ટીબીના 2148 દર્દીઓ મળ્યા છેે. મહાનગરપાલિકા દ્વારા જ્યાં ટીબીના દર્દીઓ વધુ સંખ્યામાં મળી શકે તેવી શક્યતા રહેલી છે. ત.વા વિસ્તારોમાં આવેલા અલગ અલગ પાંચ આરોગ્યકેન્દ્રોને ટીબી યુનિટ જાહેર કરાયા છે. આમાં ચંપકભાઇ વોરા આરોગ્યકેન્દ્ર, હુડકો આરોગ્ય કેન્દ્ર,જંકશનપ્લોટ આરોગ્ય કેન્દ્ર, મવડી પ્લોટ આરોગ્યકેન્દ્ર અને નંદનવન આરોગ્યકેન્દ્રનો સમાવેશ થાય છે. આ પાંચેય ટીબી યુનિટમાં 11 માસ દરમિયાન ટીબીના 2148 દર્દીઓ મળ્યા છે.
સો દિવસના આ ટીબી નિર્મુલન અભિયાન દરમિયાન હાથ ધરાનાર આરોગ્યક્ષી ઝુંબેશ દરમિયાન જો કોઇ ટીબીના દર્દી મળશે તો તેને ટીબીમુક્ત કરવા વિશેષ સારવાર અપાશે.
ટીબીનો એક દર્દી અન્ય દસ સ્વસ્થ લોકોને ટીબીનો ચેપ લગાડી શકે છે
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીના કહેવા મુજબ ટીબીએ ઉધરસના કારણે ફેલાતો ચેપી રોગ છે. જો ટીબીનો એક દર્દી સારવાર વગર જ જાહેરમાં હરતો ફરતો રહે તો તેની ઉધરસના કારણે અન્ય દસ સ્વસ્થ લોકોને ટીબીનો ચેપ લગાડી શકે છે. ટીબીના જંતુ ઉધરસ મારફત ઝડપથી શારીરિક રીતે નબળા અન્ય દર્દીઓના શરીરમાં પ્રવેશી શકે છે.
આ લોકોને ટીબી થવાની સંભાવના વધુ રહે છે
લાંબા સમયથી ટીબીની બીમારી ભોગવતા દર્દીઓના પરિવારજનોને ટીબીનું હાઇરીસ્ક રહે
દારૂ અથવા બીડી પીવાની ટેવ ધરાવતા લોકો
એચઆઇવી એઇડ્ઝના દર્દીઓ સાથે રહેનારા લોકો
જેનું વજન 18 બી.એમ.આઇ.થી ઓછું હોય
ડાયાબિટિસની બીમારી ભોગવતા હોય તેવા દર્દીઓ
60 વર્ષથી વધુ ઉંમરના લોકો
મહાનગરપાલિકાના ક્યાં ટીબી યુનિટમાં કેટલાં કેસ નોંધાયા..?
મહાનગરપાલિકાએ અલગ અલગ વિસ્તારોમાં પાંચ આરોગ્યકેન્દ્રોને ટીબી યુનિટ બનાવ્યા છે. આ ટીબી યુનિટોમાં જાન્યુઆરીથી નવેમ્બર અંત સુધીમાં નોંધાયેલા ટીબીના દર્દીઓની સંખ્યા પણ ચોંકાવનારી છે.
ચંપકભાઇ વોરા ટીબી યુનિટ : 190 દર્દી
હુડકો ટીબી યુનિટ : 388
જંકશન પ્લોટ ટીબી યુનિટ : 395
મવડી ટીબી યુનિટ : 474
નંદનવન ટીબી યુનિટ : 701