નિર્મલા કોન્વેન્ટ રોડ પર રહેતાં કિમીબેન વાગડીયા (ઉ.વ.31) અને તેમનાં પરિચીત પૂર્વેશભાઈ શાહ (ઉ.વ.40)ની ફરિયાદ ઉપરથી ખેડાના પ્રિતેશ પ્રજાપતિ (ઉ.વ.27) સામે બે ગુના નોંધાયા
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેરના નિર્મલા કોન્વેન્ટ રોડ પર રહેતાં મહિલાને ફેસબુક એકાઉન્ટના આઈડી પાસવર્ડ બદલાવી તેના એફબી મિત્રને રિકવેસ્ટ મોકલી રૂા.2500ની છેતરપિંડી કરાઈ છે. જે અંગે બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ખેડાના શખસ સામે ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં નિર્મલા કોન્વેન્ટ રોડ પર બાલમુકુંદ પ્લોટમાં રહેતાં કિમીબેન પંકજભાઈ વાગડીયા (ઉ.વ.31)નાં ફ્રેન્ડનું ફેસબુક એકાઉન્ટ હેક કરી તેના આધારે પ્રિતેશ મહેશભાઈ પ્રજાપતિ (ઉ.વ.27, રહે. અજીત સોસાયટી, નેનપુર, ખેડા)એ કિમીબેન પાસેથી તેના એફ.બી.નો ઓ.ટી.પી. મેળવી ફેસબુક એકાઉન્ટનાં આઈ.ડી. પાસવર્ડ બદલાવી પરીચીત પૂર્વેશભાઈ શાહ (ઉ.વ.40, રહે. મેહુલનગર, કોઠારીયા મેઈન રોડ) પાસેથી રૂા.2500 મેળવી ઠગાઈ કર્યાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. કિમીબેને પોલીસને જણાવ્યું કે, તેને અગાઉ ફેસબુક પર એકાઉન્ટ હતું જે હાલ બંધ છે. ગઈ તા.24-3-24નાં ફેસબુક ફ્રેન્ડ, મીતલે તેને મેસેજ કરી ફેસબુકના નોટીફિકેશનમાં આવેલો કોડમાંગ્યો હતો. જેથી તેને આ કોડની તમારે શું જરૂર છે! પૂછતાં તેણે ‘હમણા ખબર પડી જશે’ તેમ જવાબ આપતા તેને કોડ આપ્યો હતો. જેની થોડીવારમાં તે ફેસબુકમાંથી ઓટોમેટીક લોગ આઉટ થઈ ગયા હતા. તેણે ફરી લોગઈન થવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે થઈ શકયા ન હતા. આથી નો એકાઉન્ટ હેક થયાની જાણ થતા તેણે ‘મારૂ એકાઉન્ટ હેક કર્યું છે, કોઈએ નાણાકીય વ્યવહાર કરવો નહીં’ તેવું વોટસએપ સ્ટેટસ રાખી દીધું હતું. ત્યાર બાદ રાત્રે તેના પતિના ફોનમાં પરીચીત પૂર્વેશભાઈએ કોલ કરી ‘કિમીબેનવાળા ફેસબુક આઈડીના કહેવાથી મે 2500 ટ્રાન્સફર કર્યા છે’ તેમ જણાવ્યુ હતું. આથી ફ્રોડ થયાની જાણ થઈ હતી. બીજા દિવસે તેણે તેની ફ્રેન્ડ મીતલના પિતા સાથે વાતચીત થતા તેનું એકાઉન્ટ પણ હેક થયાનું કહેતા તેણે ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરતા ફ્રોડ કરનાર પ્રિતેશ પ્રજાપતી (ઉ.વ.27) હોવાનું ખુલતાં તેની ધરપકડ કરવા કવાયત શરૂ કરી હતી.