ગોપાલ સ્નેકસને ચાર દિવસ પૂર્વે મળેલી સી-જીએસટીની રૂ.14 કરોડની નોટિસ બાદ અચાનક આગનો બનાવ બનતાં શંકાસ્પદ : રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી ફાયર ફાયટરો બોલાવાયા, બારેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટની ભાગોળે મેટોડા જીઆઇડીસી ખાતે આવેલ ગોપાલ નમકીન કારખાનામાં ગત બપોરે લાગેલી આગ બારેક કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી હતી. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી ફાયર ફાઇટરો બોલાવી પાણી તેમજ ફોમનો મારો ચલાવવામાં આવ્યા બાદ તેના ઉપર કાબુ મેળવાયો હતો. આ આગમાં ગોપાલ નમકીનમાં મોટાભાગનો શેડ ભસ્મીભૂત થઇ ગયો હતો જેના પગલે કરોડોના નુકસાનની આશંકા સેવાઇ રહી છે. મહત્વનું છે કે, ગોપાલ સ્નેક્સને ચારેક દિવસ પૂર્વે જ સી-જીએસટી વિભાગની રૂ. 14 કરોડ ટેક્સ ચોરીની નોટિસ આપવામાં આવી હતી. જેની બજવણી બાદ આ આગ લાગવાની ઘટના સામે આવતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે. ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, પાંચ માળના શેડમાં ગત બપોરે લાગેલી આગનાં કારણે રો-મટિરિયલ ઉપરાંત મોટાભાગની મશીનરી બળીને ખાક થઇ ગઇ છે. જો કે, અહીં કારખાનાની બહાર રહેલ પામોલિન તેલની ત્રણ ટેન્ક સુધી આગ ન પ્રસરતા મોટી જાનહાની ટળી હતી. આ ઘટનામાં ત્રણેક વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે..