જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વ્યક્તિઓના કટ્ટરપંથીકરણને લગતા કેસની તેની ચાલી રહેલી તપાસના ભાગરૂપે દરોડા : ગુજરાતના સાણંદના ચેખલામાંથી એક શંકાસ્પદની અટકાયત
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વ્યક્તિઓના કટ્ટરપંથીકરણને લગતા કેસ મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ તલાશી અભિયાન શરૂ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ઉપરાંત જમ્મુ-કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં શંકાસ્પદોના ઠેકાણાઓ પર સવારથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, દરોડા દરમિયાન ઘણા શંકાસ્પદોની અટકાયત પણ કરવામાં આવી છે. દરમિયાન સાણંદ નજીક આવેલા ચેખલા ગામમાં એનઆઇએની ટીમે મોડી રાતથી કાર્યવાહી આદરી છે. હાલમાં મદરેસામાં કામ કરતાં આદીલ વેપારીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેનાઆતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે તાર જોડાયેલા હોવાની શંકા આધારે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, શેખ સુલતાન સલાહ ઉદ્દીન અયુબી ઉર્ફે અયુબી તરીકે ઓળખાતા વ્યક્તિની ધરપકડ કર્યાના બે મહિના બાદ પગલું ભરતા એજન્સીએ આતંકવાદ વિરોધી એજન્સીએ પાંચ રાજ્યોમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં 26 સ્થળોએ સર્ચ કર્યા બાદ અયુબીની અટકાયત કરવામાં આવી હતી. ઓપરેશન બાદ અન્ય કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. સર્ચ દરમિયાન, એનઆઇએ ટીમોએ અનેક ગુનાહિત દસ્તાવેજો, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, પેમ્ફલેટ અને મેગેઝિન જપ્ત કર્યા છે.
વિદેશી ફંડિંગ કેસમાં યુપીના ઝાંસીમાં એનઆઇએના દરોડા, મુફ્તી ખાલિદ સહિત અમુકની પૂછપરછ, ટોળાએ હંગામો મચાવ્યો
રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઇએ)ની ટીમે યુપીના ઝાંસી જિલ્લામાં વિદેશી ફંડિંગ કેસમાં દરોડા પાડ્યા છે. એનઆઇએની ટીમ પૂછપરછ કરી રહી હતી. આ દરમિયાન ટોળાએ હંગામો મચાવવાનું શરૂ કરી દીધો અને મુફ્તી ખાલિદને પણ છોડાવી લીધા હતા. મળતી માહિતી મુજબ, એનઆઇએની ટીમે મોડી રાત્રે કોતવાલી વિસ્તારના મુકરાયાણા વિસ્તારમાં મુફ્તી ખાલિદના ઘરે દરોડા પાડ્યા હતા. વિદેશી ફંડિંગ કેસની તપાસ દરમિયાન એનઆઇએની ટીમે મુફ્તી ખાલિદ અને અન્ય કેટલાક લોકોની પૂછપરછ કરી હતી. એનઆઇએની ટીમના આગમનથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો, જોકે સ્થાનિક પોલીસને આ કાર્યવાહીથી દૂર રાખવામાં આવી હતી. એનઆઇએની ટીમ હાલ પૂછપરછ અને તપાસ કરી રહી છે. તેના વતી હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. એનઆઇએની ટીમે અલીગોલ વિસ્તારની સુપર કોલોનીમાં ઓનલાઈન ધાર્મિક શિક્ષણ આપનારા મુફ્તી ખાલિદના ઘરે રાત્રે લગભગ 2.30 વાગે દરોડો પાડ્યો હતો. એનઆઇએની કાર્યવાહી દરમિયાન કોઈને પણ મુફ્તી ખાલિદ અને તેના પરિવારને મળવા દેવાયા ન હતા. આના પર ત્યાંના લોકોએ મસ્જિદમાંથી જાહેરાત કરી. આ જાહેરાત બાદ મુફ્તી ખાલિદના ઘરની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી. ટોળાએ હોબાળો મચાવ્યો અને મુફ્તી ખાલિદને પણ છોડવ્યા હતા.