(આઝાદ સંદેશ), રાજકોટ : વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવાના ગુનામાં ઝડપાયેલો આરોપી સિરિયલ કિલર નિકળ્યો હતો. જેણે 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા કરી હોવાની કબુલાત કર્યા બાદ રિમાન્ડમાં વધુ એક ગુનાની કબુલાત કરી છે.
આ આરોપીએ 8મી જૂનના રોજ વડોદરા પ્રતાપનગર રેલવે સ્ટેશન પછીના ત્રણ સ્ટેશન બાદમાં સાથે મુસાફર રહેલા અલ્પ દ્રષ્ટિવાળા ઈસમને અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની હત્યા કરી હતી. આરોપી હજુ 5 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર છે જેને પગલે હત્યાના આંકડા હજુ વધી શકે છે.
મળતી માહિતી મુજબ, વલસાડ રેપ વિથ મર્ડર કેસના આરોપી સિરિયલ કિલર નિકળ્યો હતો. જેના રિમાન્ડ હાલ ચાલુ છે. પારડી પોલીસે આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવિર ઈશ્વર જાટને રિમાન્ડ દરમિયાન યુક્તિ પૂર્વક પૂછપરછ હાથ ધરી હતી. ટેકનિકલ ડેટાના આધારે સઘન પુછપરછ કરતાં તેણે ગત તા.8મી જૂન 2024ના રોજ પ્રતાપનગર રેલવે સ્ટેશનથી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી દરમિયાન દિવ્યાંગ ડબ્બામાં પોતાની સાથે મુસાફરી કરનાર એક અલ્પ દ્રષ્ટિ યુવાનને લૂંટી લેવાના ઈરાદે પ્રતાપનગર રેલવે સ્ટેશન પછી ત્રણેક રેલવે સ્ટેશન બાદ વાતચીત દરમિયાન વિશ્વાસમાં લઈ ટ્રેનમાંથી ઉતારી લીધો હતો.
રેલવે સ્ટેશનથી વડોદરા જતાં મેઈન રોડ તરફ લઈ જઈ થોડે દુર આવેલા ખુલ્લા પ્લોટમાં આરોપી રાહુલ જાટ યુવાનને લઈ ગયો હતો. જયાં તેની સાથે ઝપાઝપી કરી તેનું સાકળથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. સિરિયલ કિલર રાહુલ જાટે અજાણ્યા ઈસમની હત્યા કરી તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ મોબાઇલ લૂંટી લીધા હતા. આરોપી રાહુલે જાટે વર્ણવેલા વર્ણન મુજબ વડોદરા પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી. જે આધારે ખાત્રી કરતાં આ કામે ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં અકસ્માત મોતથી બનાવ નોંધ કરવામાં આવી હતી. આરોપી રાહુલે કરેલી હત્યાની કબૂલાત કર્યા બાદ ડભોઈ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ડભોઇ પોલીસ મથક વિસ્તારમાં રાહુલે કરેલી હત્યાની ઘટનામાં મૃત્યુ પામનર યુવક ફયાઝ અહમદ મહેબુબ અહમદ શેખ (રહે.અક્કલકુવા, નંદુરબાર, મહારાષ્ટ્ર) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પિતાએ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે હત્યારા રાહુલ જાટ વિરુદ્ધ ફરીયાદ નોંધી હતી. વલસાડ પોલીસે સિરિયલ કિલરની યુક્તિ પૂર્વક રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા વધુ હત્યાઓનો ભેદ ખુલવાની સંભાવના છે.
વલસાડ પોલીસે વડોદરા રેલવે સ્ટેશન ડભોઇ પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે અલગ અલગ રાજ્યોમાંથી રેલવે પોલીસની અલગ અલગ ટીમો પારડી પોલીસ મથકે ધામા નાખી તેમના વિસ્તારમાં રાહુલ જાટે આપેલી ઘટનાનો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે. આરોપી રાહુલના રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખીને વાપી રેલવે સ્ટેશન અને ઉદવાડા રેલવે સ્ટેશનના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી ફૂટેજ સાથે ફેસ એનાલિસીસ કરવામાં આવ્યું હતું. આરોપી વિરુદ્ધ વધુ મજબૂત પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.