જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં જેસડા ગામના અનિલ પટેલને ત્રણેક કલાક સુધી ઉભો રાખતા ઢળી પડ્યો’તો : કમિટીએ 11 વિદ્યાર્થીઓના જવાબ નોંધ્યા, 16 સામે કરવામાં આવી કાર્યવાહી
(આઝાદ સંદેશ),રાજકોટ: પાટણની ધારપુર જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે. ધારપુર મેડીકલ કોલેજમાં પરિચયના બહાને 16 સિનિયર વિધાર્થીઓએ સૌરાષ્ટ્રના વિધાર્થીઓને પરિચયના બહાને બોલાવ્યા હતા. મેડીકલ કોલેજના પ્રથમ વર્ષમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા અને ધ્રાંગધ્રાના જેસડા ગામના વિધાર્થીને સિનિયરોએ ત્રણ કલાક ઉભો રાખતા અચાનક ઢળી પડતા મોત નીપજ્યું હતું. આ મામલે સિનિયરોએ રેગીંગ કરતા વિધાર્થીનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જ્યારે કોલેજની એન્ટી રેગીંગ કમીટીએ તપાસ હાથ ધરી હતી અને 16 સિનિયરની 11 જુનિયર વિધાર્થીઓનું રેગીંગ કરતા પુછપરછ કરીને જવાબ લીધા અને 16 સિનિયરો સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ મામલે પોલીસે એડી નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ધારપુર મેડીકલ કોલેજના બી બ્લોકના 35 નંબરના કોમન રૂમમાં સિનિયર વિધાર્થીઓએ સૌરાષ્ટ્ર ઝોનના જુનિયર વિધાર્થીઓને બોલાવ્યા હતા. 12 જુનિયર વિધાર્થીઓ ગયા હતા. સિનિયર વિધાર્થીઓએ જુનિયર વિધાર્થીઓને પરિચયની વાત કરી હતી. ભાવનગર અને બોટાદના જુનિયર વિધાર્થીઓને રૂમ નંબર 22માં બોલાવવામાં આવ્યા હતા. જ્યારે સુરત અને અમદાવાદના વિધાર્થીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. કોલેજના રૂમ નં.35માં સૌરાષ્ટ્ર ઝોનના 12 વિધાર્થીઓ ગયા હતા. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામ અનીલ નાથુભાઇ પટેલને ત્રણ કલાક ઉભો રાખીને પરિચયના નામે વિવિધ પ્રશ્ર્નો કર્યા હતા અને અનીલ પટેલ અચાનક ઢળી પડતા આકસ્મિક મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કોલેજમાં દોડધામ મચી ગઇ હતી અને વિધાર્થીઓના વાલીઓને જાણ કરતા દોડી આવ્યા હતા. પોલીસે યુવકની લાશને પાટણ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. હોસ્પિટલમાં પેનલ ડોક્ટર અને વીડિયોગ્રાફી સાથે પીએમ કરવામાં આવ્યું હતું. આ મામલે નટવરભાઇ રાઘવજી પટેલે (રહે.જેસડા)એ શનિવારે રાત્રે તેમના પુત્ર અનીલ પટેલના રાત્રીના સમયે ચક્કર આવવાના લીધે પડી જતા સારવાર દરમિયા મોત નીપજ્યું હતું. તેવી પોલીસે એડી નોંધીને પીઆઇએ વધુ તપાસ હાથ ધરી છે. એન્ટી રેગીંગ કમીટીના ચેરમેન દ્વારા તપાસ કરવામાં આવી છે. મૃતક વિધાર્થી સાથે અન્ય 11 જુનિયર વિધાર્થીઓ પણ સિનિયર વિધાર્થીઓના રેગીંગના ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. 11 વિધાર્થીઓના જવાબ મેળવવામાં આવ્યા છે. આ તમામ પ્રક્રિયા બાદ 16 સિનિયર વિધાર્થીઓ પર કેવી રીતે કાર્યવાહી હાથ ધરવી તેની પ્રક્રિયા શરૂ કરશે. આ ઉપરાંત સિનિયર વિધાર્થીઓને સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે બાલિસણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સ્થળના હોસ્ટેલના સીસીટીવી પોલીસને સોંપાયા છે. ધારપુર મેડીકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું કે, એન્ટી રેગીંગ કમીટી દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં પી.એમ. રીપોર્ટ મહત્વનો સાબીત થશે. બીજી બાજુ વીડિયોગ્રાફી સાથે ત્રણ ડોક્ટરની પેનલ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. મૃતકના વિશેરા તેમજ બ્લડ સેમ્પલને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. એક ડોક્ટર દ્વારા વિધાર્થીની હીસ્ટ્રી પુછતા મૃતકના પરિવારજનોએ જણાવેલ કે અનીલને કદી તાવ આવ્યો નથી અને સ્વસ્થ હતો.