રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથેના વરસેલા વરસાદે જળબંબોળ કરી દીધા : મોરબી અને માળિયા હાટીનામાં 3.75 ઇંચ, મેંદરડામાં 3.5 ઇંચ, કુંકાવાવ-વાડીયામાં 3 ઇંચ, કાલાવડ, રાણાવાવ અને રાજકોટમાં પોણા ત્રણ ઇંચ જેટલો, કલ્યાણપુર, થાનગઢ, જૂનાગઢમાં બે-બે ઇંચ
(આઝાદ સંદેશ) રાજકોટ : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ છતાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં જાણે હજુ પણ ચોમાસાનો માહોલ હોય તેવું વાતાવરણ સર્જાયું છે અને હજુ પણ વરસાદ બંધ થાય તેવા કોઇ અણસાર નથી. તેવામાં અનેક વિસ્તારોમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે તેમ છતાં સરકારે હજુ સુધી આ અંગે કોઇ બાબત ધ્યાને લીધી હોય તેવું લાગી રહ્યું નથી. છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાંખી છે. દરમિયાન ગઇકાલ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી જતાં ખેડૂતોને દિવાળી ટાણે જ નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં માવઠાનાં કારણે ખેતી પાકનો સોંથ વળી ગયો છે. કપાસ, મગફળી, સોયાબીન, મરચા, ડુંગળી સહિતનાં તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી તાકિદે સર્વે કરાવીને પીડિત ખેડૂતોને વહેલી તકે યોગ્ય સહાય વળતર ચૂકવવા માંગ ઊઠી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 69 તાલુકામાં સામાન્યથી સાડા ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો છે જેમાં મોટાભાગના સૌરાષ્ટ્રના છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રવિવારે ગાજવીજ સાથેના વરસેલા વરસાદે જળબંબોળ કરી દીધા હતા. રવિવારે 4 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ, 10 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 22 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 4.6 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય મોરબી અને જૂનાગઢના માળિયા હાટીનામાં 3.75 ઇંચ, મેંદરડામાં 3.5 ઇંચ, અમરેલીના કુંકાવાવ વાડીયામાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જામનગરના કાલાવડ, પોરબંદરના રાણાવાવ અને રાજકોટમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર, થાનગઢ, જૂનાગઢમાં બે-બે ઇંચ ઉપરાંત વાંકાનેર, ગઢડા, કોટડાસાંગાણી, ખંભાળીયા, વંથલીમાં દોઢ-દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી એક ઇંચ સુધી વરસાદ વરસ્યો છે જેના કારણે ખેતરોમાં પથરાયેલા ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે. ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામીણ વિસ્તારમાં એકાંતરા વરસતા વરસાદે જગતાતની ચિંતામાં વધારો કર્યો છે. હાલ છેલ્લા 10 દિવસથી જેતપુર અને તેના ગ્રામીણ વિસ્તાર એવા ખીરસરા, જેતલસર, ડેડરવા, અમરનગર, સેલૂકા, વિરપુર સહિત અન્ય ગામોમાં વરસતા વરસાદથી ખેતી આધારિત આ તાલુકામાં ખેતીની મૌસમ શરુ થતા મગફળી ખેડૂતોએ ઉપાડી હોવાથી ક્યાંક મગફળીના પાથરા પાણીના વહેણમાં તણાતા, તો ક્યાંક વરસાદી પાણી ભરાતા તરતા પાથરા, તો ક્યાંક પલળતા પાથરા જોવા મળી રહ્યા છે. સાથે કપાસમાં આવેલો નવો ફાલ પણ ખરી રહ્યો છે. ઉપરાંત સતત વરસાદ પડતા ખેડૂતોના મરચા, ડુંગળી, સોયાબીન, મગફળી સહિત પાકના વાવેતરને પણ ભારે નુકસાન થયું છે. મોંઘા ભાવના ખાતર, બિયારણ દવાઓનો ખર્ચ કરેલો હોય ત્યારે હવે પાક નિષ્ફળ થયો છે. હાલ પણ ખેતરમાં પાણી ભરાયા હોય ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. ત્યારે ખેડૂતોને પારાવાર નુકસાની થઈ રહી છે. જગતાત ગણાતા ખેડૂતોને હાલ મોઢે આવેલો કોળિયો છીનવાતો જોવા મળી રહ્યો છે. હાલ જગતાતની ચિંતા વધતા સમગ્ર તાલુકામાં થયેલી નુકસાનીનો સર્વે કરાવીને તાત્કાલિક સહાય જાહેર કરવા ખેડૂતો માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે.