બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે ઠાકોર સમાજના સંમેલનમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, અલ્પેશ ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોર એક મંચ પર આવ્યા હતા. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે એક સાંકેતિક રાજકીય ઇશારો કર્યો હતો. અલ્પેશ ઠાકોરે કહ્યું આ મારો ઈશારો છે. આ ઇશારામાં જે સમજવું હોય એ સમજી જજો. સમાજ માટે 32 લક્ષણા પુરુષ તરીકે બલિદાન આપવું પડશે તો આપી દઈશ. વાવડીમાં પાણી ખૂટે એટલે અલ્પેશ ઠાકોર એનું બલિદાન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીમંડળના વિસ્તરણ બાદ દિયોદરમાં પણ અલ્પેશ ઠાકોરે આવી ઈશારાભરી વાતો કરી હતી, આજે પાલનપુરમાં પણ અલ્પેશ ઠાકોરે રજકીય ઇશારો કર્યો છે.
જામનગરના હિંમતનગર રોડ ઉપર ચાલતી કારમાં લાગી આગ
જામનગર ચાલતી કારમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. હિંમતનગર રોડ ઉપર બપોરે જાહેર માર્ગ પર ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. કારમાંથી ધુમાડો નીકળતા આસપાસના લોકો એકઠા થઈ ગયા. તાત્કાલિક ફાયરની ટીમ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
વેરાવળના દરિયાકાંઠે પ્રિ વેડિંગ શૂટ માટે આવેલ પાંચ પૈકી એક યુવતી ડૂબી
વેરાવળના આદરી ગામે દરિયાકિનારે યુવતી ડૂબી જવા પામી છે. પ્રિ વેડિંગ શૂટ માટે આવેલા કપલ સાથે આવેલી યુવતીને સમુદ્ર ખેંચી ગયો છે. પાંચ લોકો સમુદ્ર કિનારે સેલ્ફી લેતા હતા, આ સમયે એકાએક મોજુ આવતા ચાર લોકો એક બીજાના હાથ પકડી લેતા બચવામાં સફળ રહ્યા હતા, જ્યારે એક યુવતીને મોજુ સમુદ્રની અંદર ખેંચી ગયું હતું. મરિન પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. દરિયામાં ગરકાવ થયેલ યુવતીને શોધવા માટે સ્થાનિક માછીમારોની મદદ લેવામાં આવી રહી છે.


