અમદાવાદઃ નવરંગપુરામાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ
અમેરિકામાં રહેતા ગુજરાતીઓને આયુર્વેદિક દવા આપવાના બહાને છેતરતું કોલ સેન્ટર આશ્રમ રોડ પરના સાકાર 9 બિલ્ડિંગના 12મા માળેથી પકડાયું છે. 6 મહિનાથી ચાલતા કોલ સેન્ટરમાં પોલીસે દરોડો પાડી માલિક, મેનેજર, 2 ટીમ લીડર, કોલિંગ કરવા રાખેલા 20 યુવક-યુવતી પકડયાં છે. દવા મોકલવાના બહાને 600 ડોલર પડાવતા હતા. ત્યાર બાદ દવા ન મોકલીને છેતરપિંડી કરતા હતા. કોલ સેન્ટર આખી રાત ધમધમતું હતું.
પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે 47 વિદ્યાર્થીને દંડ
સુરતમાં પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગત વર્ષે લેવામાં આવેલી વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિ કરતા ઝડપાયેલા કુલ 89 વિદ્યાર્થીઓમાંથી સુનાવણી માટે હાજર રહેલા 47 વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓને 2,500 રૂપિયા થી લઈને 10,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે. પરીક્ષાની શુદ્ધતા જળવાઈ રહે એ હેતુથી યુનિવર્સિટીએ આ કડક પગલાં લઈ વિદ્યાર્થીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરરીતિ કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં આવશે નહીં.
આદમખોર સિંહણ પાંજરે પૂરાઈ છે. સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો. બગસરાના હામાપુર ગામે 1 સિંહણ અને 4 સિંહબાળને પાંજરે પુરાયા. ACF, RFO અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. કલાકોની જહેમત બાદ સિંહણ અને સિંહબાળનું રેસ્ક્યૂ કર્યું. સિંહણ પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો.


