વર્ષ 2017માં નિલેશ ઘાસોટીયાએ રૂ.6500ની માંગણી કરી’તી : રાજકોટની ખાસ અદાલતના જજ વી.કે.ભટ્ટે રૂ.25000નો દંડ અને કેદની સજા ફરમાવી
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટની લોધીકા મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા નિલેશ ઘાસોટીયાએ વર્ષ 2017માં સોલવંશી સર્ટી કાઢી આપવા માટે ફરીયાદી પાસેથી રૂ.6500ની લાંચ સ્વીકારતા ઝડપાઈ જતા રાજકોટની ખાસ અદાલતના જજ વી.કે.ભટ્ટે તેને દોષિત ઠેરવી રૂ.25000નો દંડ અને 7 વર્ષની સખ્ત કેદની સજા ફરમાવેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી જગદીશભાઈ ચોવટીયાએ વર્ષ 2017માં ગોંડલની કોર્ટમાં જામીનદારનું સોલવંશી સર્ટીફિકેટ રજુ કરવાનું થતુ હતું. સર્ટીફીકેટ કઢાવવા માટે લોધીકા મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા આરોપી નિલેશ અમરશી ઘાસોટીયા (હાલ ઉ.વ.51)નો સંપર્ક કરેલ. સર્ટીફીકેટ કાઢી આપવા બદલ આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.10,000ની લાંચની માંગણી કરેલ હતી. જે અંતે રૂ.6500માં નકકી થયેલ તા.14/11/2017ના રોજ ટ્રેપના દિવસે આ આરોપી આત્મિય કોલેજમાં સાંજના સમયે ટ્રેનીંગમાં હતા.
લાંચની રકમ લઈ જવા ફોન ઉપર જણાવતા આરોપીએ આત્મિય કોલેજની બહાર આવી લાંચની રકમ સ્વીકારેલ હતી જેમાં તેઓ રંગેહાથ ઝડપાઈ ગયેલ હતાં.કેસ ચાલતા બચાવ લીધેલ હતો કે આરોપીએ ફરીયાદી પાસેથી કોઈ લાંચની રકમની માંંગણી કરેલ ન હતી.કારણ કે ફરીયાદીને જોઈતુ સોલ્વંશી સર્ટીફીકેટ ટ્રેપના દિવસ અગાઉ જ ફરીયાદીને મળી ગયેલ હતું. ફરીયાદીનો ટ્રેપના દિવસે ફોન આવતા તેઓ આત્મિય કોલેજની બહાર આવેલ ત્યારે આ લાંચની રકમ આરોપીને બળજબરીથી આપેલ હતી. સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ દલીલ કરેલ કે, ટ્રેપના દિવસે ફરીયાદીના શરીર ઉપર ઓડીયો વીડીયો કેમેરા ફીટ કરવામાં આવેલ હતો.જેમાં આરોપીએ કોલેજની બહાર આવી લાંચની રકમ સ્વાકાર્યાનું સ્પષ્ટ જણાઈ આવતું હતું.આ પ્રકારનો ઈલેકટ્રોનીક પુરાવો કોર્ટમાં રજુ થયેલ છે. તેની આરોપીને જાણ હોવા છતા લાંચની રકમ બળજબરીથી આપ્યાનો ખોટો અને બનાવટી બચાવ ઉભો કરેલ છે.ટ્રેનીંગ છોડીને બહાર આવવા અંગેનું કોઈ જ કારણ જણાવેલ નથી.
લાંચની માંગણી કરેલ હતી.અને તેથી જ ટ્રેનીંગ છોડીને બહાર આવેલ હતાં. કોઈ ફરીયાદીનું કામ સરકારી અધિકારીએ પુરુ કરી દીધેલ હોય તો પણ સ્વીકારવામાં આવેલ રકમ લાંચ જ કહેવાય તેવી ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમની જોગવાઈ છે.રજુઆત માન્ય રાખી ખાસ અદાલતના જજ વી.કે.ભટ્ટે આરોપીને તકસીરવાન ઠરાવી 7 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.25,000નો દંડ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયેલ હતાં.