તૈયાર ડ્રાયફ્રુટસના પેકેટો ઉપર પેકિંગ ડેઇટ, બેસ્ટ બિફોર કે એક્સપાયરી ડેઇટ દર્શાવેલા ન હોય ત્યારે તે જથ્થો જૂનો કે પડતર હોવાની શંકા ઉપજાવે છે : રાજકોટના જાગૃત નાગરિકે વેપારીના કરતૂતોનો પર્દાફાશ કરી કલેકટર, તોલમાપ વિભાગ, મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર સુધી ફરિયાદ કરી પરંતુ તપાસ કાગળ ઉપર…? : જૂનો, પડતર સુકો મેવો સસ્તામાં અમુક મિઠાઇ તેમજ પંજાબી વાનગી બનાવનારને ધાબડી દેવામાં આવે છે..! કંપનીના માર્કાનો ઉપયોગ કરી તૈયાર પેકિંગ સાથેના સુકા મેવાના પાઉંચ વેચાઇ રહ્યા છે
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેરમાં છેલ્લા દોઢેક મહિનાથી તોલમાપ વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા ખાદ્ય પદાર્થોના તૈયાર પેકિંગ કે જેમાં બેસ્ટ બિફોર અને એક્સપાયરી ડેઇટ દર્શાવેલી ન હોવા છતાં ચેકિંગ કે કાર્યવાહી ન થતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. શહેરમાં દિવાળી પૂર્વે ડ્રાયફ્રુટસ તેમજ અન્ય સુકા મેવામાં ભેટ સ્વરૂપે આપવામાં આવતી વસ્તુઓ અમુક ચોક્કસ વેપારીઓએ ધાબડી દીધાની ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઇ છે. આ બાબતે મદદનીશ નિયંત્રણ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા સુધી (તોલમાપ વિભાગ-રાજકોટ, ગાંધીનગર) લેખીતમાં ફરિયાદ કરવા છતાં આજ સુધી તપાસના નામે નાટક થઇ રહ્યું છે. જિલ્લા કલેકટર, પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાજકોટ શહેરના જીવદયા તેમજ આરટીઆઇ એક્ટિવિસ્ટ અલ્તાફભાઇ ચીચોદરાએ કલેકટર કચેરી, તોલમાપ વિભાગ, મ્યુનિ. કમિશનરને લેખીતમાં વેપારીના નામ સાથે ફરિયાદ કરી છે. જેમાં દર્શાવ્યા અનુસાર શહેરના એક ડ્રાયફ્રુટસના વેપારીએ 40 હજાર કરતા વધુ કિંમતના પેકેટો કે જેની કિંમત રૂ. સવા કરોડ જેટલી થાય છે તેનું દિવાળી પૂર્વે વેચાણ કર્યું છે. જાણીતી અને વગદાર તેમજ પૈસાપાત્ર ધંધાર્થી હોવાના નાતે તેની સામે કોઇ કાર્યવાહી તંત્ર દ્વારા થતી ન હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. બીજી તરફ આ કંપની તરફથી તૈયાર ડ્રાયફ્રુટસના પેકેટો ઉપર કિંમત, બેસ્ટ બિફોર કે એક્સપાયરી ડેઇટ પણ ન દર્શાવી પેકેજ કોમોડીટી એકટના નિયમનો ભંગ કરાયો છે.
ઉપરોકત કંપનીના ડ્રાયફ્રુટસના પેકેટો સરકારી કચેરીમાં દિવાળી ભેટ તરીકે પધરાવી દેવામાં આવ્યા છે તેવો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. દરમિયાન જાણવા મળતી વિગતો અનુસાર પડતર ડ્રાયફ્રુટસનો ઉપયોગ સામાન્ય રીતે મીઠાઇ બનાવવામાં થતો હોવાના અવાર-નવાર આક્ષેપો થયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કે તોલમાપ શાખા દ્વારા મીઠાઇના વેપારીને ત્યાં જે જથ્થો ડ્રાયફ્રુટસનો પડ્યો છે તેમાંથી કયારેય નમૂના લેવામાં આવતા નથી. મીઠાઇમાં જે ડ્રાયફ્રુટસનો ઉપયોગ કરવા માટે વેપારી પાસેથી જથ્થો ખરીદવામાં આવ્યો છે તે આરોગ્યને હાનીકારક છે પડતર છે. વાસી છે આ ઉપરાંત પંજાબી વાનગી બનાવનારા હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ફરસાણના વેપારી ડ્રાયફ્રુટસ ચેવડો વિગેરેમાં આવા ડ્રાયફ્રુટસનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપ બાદ નમૂના લેવાયા છે કે કેમ.?
રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં જાણીતા ડ્રાયફ્રુટસના વેપારી સામે આક્ષેપોમાં તથ્ય કેટલું..?
રાજકોટ શહેરના એ-ડિવિઝન હેઠળના વિસ્તારમાં આવેલા મોટા ગજાના જાણીતા અને વગદાર ડ્રાયફ્રુટસના વેપારીને ત્યાં તોલમાપ કે કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગના ફૂડ શાખા તરફથી નમૂના કે ચેકિંગ માટે કયારેય જતા નથી. ઉપરોકત વેપારીના ગોડાઉનમાં એક્સપાયરી ડેઇટનો સુકોમેવો પડ્યો હોવાના આક્ષેપો થયા છે અને અગાઉનો જૂનો ડ્રાયફ્રુટસનો જથ્થો દિવાળીમાં કંપનીઓને ગિફટ પેકેટ તૈયાર કરતી વખતે તેમાં ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવ્યાની ફરિયાદો કરવામાં આવી છે. પડતર ડ્રાયફ્રુટસ કોને કોને વેચવામાં આવ્યા, જીએસટીની ચોરી થાય છે કે કેમ ? બિલોની જાળવણી, અત્યાર સુધીનું વેચાણ વિગેરે હકીકત કયારે બહાર આવશે…?