શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક અસરથી ઓપરેટરોની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને કામગીરી વેગવંતી બનાવવા રજૂઆત કરી
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ ખાતે તાજેતરમાં આધારકાર્ડ કઢાવવામાં બાળકો અને તેમના પરિવારજનોનાં દસ્તાવેજો મિસમેચ થવાના પ્રકરણમાં મોટાભાગના ઓપરેટરોને છૂટા કરી દેવામાં આવ્યા હતા ત્યારે આ પ્રકરણમાં હવે દિવસે ને દિવસે આધારકાર્ડ કેન્દ્ર ઉપર અરજદારોને હાલાકી પડવાનો પ્રશ્ર્ન વધી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આધારકાર્ડ કેન્દ્ર ઉપર અરજદારોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે. બીજી બાજુ રોજબરોજના ધક્કાઓથી અરજદારો કંટાળી ગયા છે ત્યારે આજે શહેર કોંગ્રેસ દ્વારા આ અંગે જિલ્લા કલેકટર અને મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી તાત્કાલિક અસરથી ઓપરેટરોની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને કામગીરી વેગવંતી બનાવવા માંગ કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર અને મ્યુનિ. કમિશનરને ઉલ્લેખી કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં આધાર કેન્દ્ર લોકોનું પીડાનું કેન્દ્ર અને નિરાધાર કેન્દ્ર બન્યું છે. મહાનગરપાલિકામાં નવું આધાર કાર્ડ કેન્દ્ર બનતા તત્કાલીન સમયના મેયર સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, હવે લોકોને આધાર કાર્ડ માટે રાજકોટ મહાનગરપાલિકામાં લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે અને વધુ ઓપરેટરો સાથે નવસર્જન કર્યું છે. પરંતુ આધાર કાર્ડ કેન્દ્ર વારંવાર વિવાદનું કેન્દ્ર બન્યું છે અને લોકોને પીડા આપતું નિરાધાર કેન્દ્ર બન્યું છે. કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના 18 ઓપરેટરો અને જૂની કલેકટર કચેરીઓમાંના તાલુકા મામલતદાર કચેરીમાં ઓપરેટરોને સસ્પેન્ડ કર્યા હતા અને રાજકોટની વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન કચેરીમાં આધારકાર્ડ અંગેની કામગીરી બંધ કરાતા સેન્ટ્રલ ઝોન કચેરીમાં અપૂરતો સ્ટાફને લીધે રોજબરોજ ભારે અંધાધુંધી અને અરાજકતા સર્જાય છે. દિવાળી પહેલા ઓપરેટરોને સસ્પેન્ડ કરાયા બાદ નવી નિમણૂંક અંગે કે સસ્પેન્ડ કરાયેલા ઓપરેટરો અંગે કોઈ ત્વરિત નિર્ણય નહીં લેવાતા મહાનગરપાલિકાની ઓપરેટરોને ચાલુ રાખવાની રજૂઆત હાલ માન્ય રાખવામાં આવી નથી જે પગલે લોકોને ચાર ચાર દિવસે પણ આધાર કાર્ડ અંગેની કામગીરી પૂર્ણ થતી નથી કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે.
અમારી જાણ મુજબ રાજકોટ શહેરમાં બેન્ક, મનપા, પોસ્ટ ઓફિસ સહિત કુલ 25 જગ્યાએ કામગીરી ચાલુ છે પરંતુ રાજકોટ શહેર-જિલ્લાની વસ્તીને જોતા આ 25 આધાર કેન્દ્રો અપૂરતા છે જે પગલે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય તો અમારી માંગ છે કે રાજકોટની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો, તમામ વોર્ડ ઓફિસો, મામલતદાર કચેરીઓ, જિલ્લા કલેકટર કચેરી, તમામ આરોગ્ય કેન્દ્ર સરકારી કચેરીઓમાં આધાર કેન્દ્રો શરૂ કરવા જોઈએ જેથી લોકોને પોતાના ઘર પાસે જ બેન્ક કે વોર્ડ ઓફિસે સવલતો મળી રહે અને હાલાકી ભોગવવી ન પડે. જૂના ઓપરેટર અંગેની રજૂઆત હાલ કોઈ નિર્ણય આવેલ નથી તો તાત્કાલિક ધોરણે જાહેરાતો આપી ઓપરેટરો અંગેની ભરતી ત્વરિત થવી જોઈએ. આ અમારી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની રજૂઆત પગલે આપ દ્વારા થયેલ કાર્યવાહીની જાણ કરશો.