મનપાની માલિકીના અનામત પ્લોટના દબાણો દુર કરવામાં પણ ટાઉનપ્લાનિંગ શાખાના પગ ધ્રુજે છે..!
(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની ટાઉનપ્લાનિંગ શાખા હજી પુર્વ ટીપીઓ સાગઠિયાએ ગેરકાયદે બાંધકામોની બીછાવેલી જાળ તોડી શકી નથી. પણ, મહાનગરપાલિકાની માલિકીના જ અનામત પ્લોટ પર થયેલા દબાણો દુર કરવામાં ટાઉનપ્લાનિંગ શાખાના પગ ધ્રુજી રહ્યા છે. મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાએ પુછેલા પ્રશ્ર્નમાં આ વાતનો સ્વીકાર ખુદ ટાઉન પ્લાનિંગ ઓફિસરે ર્ક્યો છે.
મહાનગરપાલિકામાં લાંબો સમય ઇન્ચાર્જ અને બાદમાં કાયમી બનેલા પુર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયાએ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વહેતી કરીને રાજકોટ શહેરને ગેરકાયદે બાંધકામોનું નગર બનાવી દીધું છે. સાગઠિયાએ બીછાવેલી ગેરકાયદે બાંધકામોની જાળ ભેદવમાં ટાઉનપ્લાનિંગ શાખા લાંબા સમયથી સફળ થઇ શકી નથી. શહેરમાં આડેધડ ખડકાયેલા ગેરકાયદેસર દબાણોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. આમછતાં ટાઉનપ્લાનિંગ શાખા દબાણો દુર કરવાનું તો ઠીક નોટિસ પણ આપી શકતી નથી. મહાનગરપાલિકાના અનામત પ્લોટમાં થયેલા દબાણો દુર કરવા માટે ટાઉનપ્લાનિંગ શાખાના ભૂ માફિયાઓ સામે પગ ધ્રુજતા હોય તેમ માત્ર પાર્કિંગ હેતુ માટેના જ 70 અનામત પ્લોટમાંથી 17 પ્લોટં લાંબા સમયથી ભૂમાફિયાઓએ દબાવી રાખ્યા છે. આમછતાં પણ ટાઉનપ્લાનિંગ શાખા આવા દબાણો ઉપર બુલડોઝર ફેરવી શકતી નથી. મહાનગરપાલિકા દ્વારા ટાઉનપ્લાનિંગ સ્કીમ હેઠળ પાર્કિંગ હેતુ માટે અનામત પ્લોટ રાખવામાં આવ્યા છે. શહેરના ત્રણેય ઝોનમાં પાર્કિગ હેતુ માટેના 70 પ્લોટ છે. આ 70 પ્લોટમાંથી અડધોઅડધ 36 પ્લોટ હજી ખુલ્લા પડ્યા છે. આ 36 પ્લોટમાંથી અડધોઅડધ 17 પ્લોટમાં ભૂમાફિયાઓેએ નાના મોટા દબાણ ખડકી દીધા છે. ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ અધિકારી સંતકુમાર પંડ્યાએ આ વાતનો લેખિત સ્વીકાર પણ ર્ક્યો છે. આંકડાકિય માહિતી મુજબ સેન્ટ્રલ ઝોન વિસ્તારના પાર્કિંગ હેતુ માટેના કુલ 16 અનામત પ્લોટમાંથી 6 પ્લોટનો નિકાલ થયો છે જ્યારે 8 પ્લોાટ હજી પણ ખુલ્લા પડ્યા છે. આમાંથી બે પ્લોટ પર દબાણો ખડકાયા છે. આવી જ રીતે વેસ્ટઝોનમાં કુલ 36 પ્લોટમાંથી 23 પ્લોટ ખુલ્લા પડ્યા છે. અને 10 પ્લોટમાં દબાણો છે. આવી જ રીતે ઇસ્ટઝોના 18 પોઇન્ટમાંથી પાંચ પ્લોટ ખુલ્લા પડ્યા છે. અને આ તમામ પ્લોટ પર દબાણો ખડકાયા છે.