બુધવાર, જાન્યુઆરી 22, 2025

ઈ-પેપર

બુધવાર, જાન્યુઆરી 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટની પ્રજા ડેન્ગ્યૂમાં મરી રહી છે, એની ચર્ચા કરો : સાગઠિયાની ધમાલ

રાજકોટની પ્રજા ડેન્ગ્યૂમાં મરી રહી છે, એની ચર્ચા કરો : સાગઠિયાની ધમાલ

‘અધ્યક્ષ શ્રી, ચેરમેન કહે એ મુજબ જ તમારે કરવાનું છે ? : જનરલ બોર્ડમાં અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડિયાને સાગઠિયાએ સીધો સવાલ કરતાં આખરે બોર્ડમાંથી સસ્પેન્ડ કરાયા: એકલવીર સાગઠિયા સામે ચેરમેન જયમીન ઠાકર, દંડક મનીશ રાડિયા, પૂર્વ ચેરમેન પુષ્કર પટેલ, સુરેન્દ્રસિંહ વાળા, નીતિન રામાણી, વિનુ ઘવા સહિતના કોર્પોરેટરોનો સામુહિક શાબ્દીક હુમલો : બોર્ડ શરૂ થતાં પહેલા તમામ કોર્પોરેટરોના ખીસ્સા તપાસાયા…!

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમા વિપક્ષી સભ્ય વશરામભાઇ સાગઠિયાએ રોગચાળા મુદ્દે અવાજ ઉઠાવીને ડેન્ગ્યૂના કારણે રાજકોટમાં મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે, પ્રજાના હિતમાં રોગચાળાની ચર્ચા કરવાની માગણી કરતાં શાસકપક્ષ ભાજપના કોર્પોરેટરોએ તેનો વિરોધ ર્ક્યો હતો. લાંબા સમય સુધી સાગઠિયા અને શાસકપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક યુધ્ધ ચાલ્યા બાદ આખરે સાગઠિયાને બોર્ડમાંથી સસ્પેન્ડ કરી દેવાયા ત્યારે સાગઠિયાએ વળતો હુમલો કરીને કહ્યું હતું કે, બોલવાની હિંમત કરનારાને તમે કાઢી મુકો છો પછી એ તમારો સભ્ય હોય કે વિપક્ષનો…. સાગઠિયાને બોર્ડમાંથી સસ્પેન્ડ કરવા ચેરમેન જયમીન ઠાકરે અધ્યક્ષપદે બીરાજમાન મેયર નયનાબેન પેઢડિયાને સુચન કરતાં સાગઠિયાએ અધ્યક્ષને સંબોધીને એવો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો કે, ચેરમેન કહે એ મુજબ જ તમારે બધું કરવાનુ છે? આજની સભામાં હાજર રહેલા તમામ કોર્પોરેટરોના ખીસ્સા તપાસયા હતા આમછતાં સાગઠિયા રોગચાળા મુદ્દે લખાણ લઇને બોર્ડમાં આવી ગયા હતા !
આજે મળેલી જનરલબોર્ડની બેઠકમાં ડે. કમિશનર સ્વપ્નિલ ખરે અમૃતમિશન અંતર્ગત રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા કરાયેલા વિકાસકામોની વિગતવાર આંકડાકિય માહિતી આપી રહ્યા હતા તે દરમિયાન વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાએ 12 મિનીટ સુધી હાથ ઉંચો રાખીને પ્રશ્ર્ન કરવાની અધ્યક્ષની મંજૂરી માંગી હતી. પણ, તેના તરફ ધ્યાન ન અપાતા આખરે તેઓએ ઉભા થઇને ડે. કમિશનર કેસેટ સંભળાવી રહ્યા છે. તેમ કહીને ડેન્ગ્યૂમાં રાજકોટની પ્રજા મરી રહી છે ત્યારે રોગચાળાની ચર્ચા કરવાની માગણી કરી હતી. પણ, અધ્યક્ષપદેથી મેયરે તમારા પ્રશ્ર્નના ક્રમાંક મુજબ વારો આવશે તેમ કહેતા સાગઠિયાએ એવી ટકોર કરી હતી કે તમારી સરકાર હશે ત્યાં સુધી વારો નહીં આવે તેમ કહેતા ચેરમેન જયમીન ઠાકર વચ્ચે પડ્યા હતા અને એવુ કહ્યું હતું કે અહીં કોઇ ફિલ્મનું શૂટિંગ ચાલતું નથી વિકાસની ચર્ચા થાય છે તેમ કહેતા સાગઠિયાએ ફરીથી રાજકોટમાં રોગચાળામાં કેટલાં મરી રહ્યા છે તે પ્રજાકિય પ્રશ્ર્નની ચર્ચા કરવાની માગણી દોહરાવી હતી. મેયર હિંમત કરીને સાચી ચર્ચા કરી શકતા નથી. આપણે પ્રજાનો પગાર લઇએ છીએ ત્યારે આપણી ફરજ છે કે પ્રજાના પ્રશ્ર્નોને અગ્રતા મળવી જોઇએ. રોગચાળા મુદ્દે ભાજપને આડેહાથ લેતા સાગઠિયાએ એમ કહ્યું હતું કે, રાજકોટની પ્રજાની આંખે પાટા બાંધીને ગમેએમ છેતરવાનું બંધ કરો. અધ્યક્ષ ચેરમેન કહે એટલું કરે છે. ચેરમેનની સલાહ માને છે. એવો ખુલ્લો આક્ષેપ કરીને તેઓએ બોર્ડમા રોગચાળા મુદ્દે બોર્ડમાં લખાણ લખેલા પેપર બતાવતા આખરે તેઓને બોર્ડમાંથી સસ્પેન્ડ કરાયા હતા.

સાગઠિયા મિડીયાની હાજરીમાં તુત કરી રહ્યા છે : શાસકપક્ષ

રોગચાળા મુદ્દે સાગઠિયાએ અવાજ ઉઠાવતા મિડિયા તેમને ઘેરી વળ્યું હતું. આ સમયે શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ પણ એવો આક્ષેેપ ર્ક્યો હતો કે, સાગઠિયા મિડિયાની હાજરીમાં તૂત કરી રહ્યા છે. આ તેમની કાયમી આદત છે. બોર્ડ પુર્ણ થયા બાદ ચેરમેન જયમીન ઠાકરે પણ એમ કહ્યું હતું કે, વશરામ સાગઠિયા દર વખતે જનરલ બોર્ડમાં અવરોધ ઉભો કરે છે. બોર્ડની કાર્યવાહી યોગ્યરીતે ચાલે એ માટે તેમને બોર્ડમાંથી સસ્પેન્ડ કરાયા હતા.

ભાજપના 12 અને કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર

આજની બેઠકમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, અલ્પેશભાઇ મોરજરીયા, મિતલબેન લાઠીયા, ભારતીબેન પરસાણા, વર્ષાબેન પાંધી, ડો. નેહલ શુકલ, નરેન્દ્રસિંહ જાડેજા, રાણાભાઇ સાગઠિયા, સુરેશભાઇ વસોયા, ડો. પ્રદિપ ડવ, દક્ષાબેન વાઘેલાનો રજા રીપોર્ટ હતો. જ્યારે ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા થોડો સમય હાજરી આપી જતાં રહ્યા હતા. ભાજપના રવજીભાઇ મકવાણા ગેરહાજર રહ્યા હતા. આવીજ રીતે કોંગ્રેસના મકબુલભાઇ દાઉદાણી ગેરહાજર રહ્યા હતા. બેઠકમાં પુર્વ કોર્પોરેટર રંજનબેન રાવલના મૃત્યુ અંગે શોક ઠરાવ કરાયો હતો. કમિશનર દ્વારા કરાયેલી છ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરાઇ હતી.

સ્માર્ટ સિટીનું અટલ સ્માર્ટ સિટી નામકરણ કરાશે

આજની બેઠકમાં ત્રણ અરજન્ટ બીઝનેસ દરખાસ્ત કરવામાં આવી હતી આમાં રૈયા ટીપી સ્કીમ નં. 32માં 930 એકર જગ્યામાં વિકસાવવામા આવેેલા વિસ્તારનું અટલ સ્માર્ટસિટી અને આ વિસ્તારમાં આવેલા તળાવનું અટલ સરોવર નામકરણ કરવા, હોકર્સઝોનના રજીસ્ટ્રેશન અને માસિક ભાડા દરમાં વધારો કરવા, નિયમો રિવાઈઝ્ડ કરવા, તેમજ ગુજરાત સ્ટ્રીટ વેન્ડરની જોગવાઇ મુજબ ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવા માટેની અરજન્ટ બીઝનેસ દરખાસ્ત સર્વાનુમત્તે મંજૂર કરાઇ હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર