સુરતમાં ધો-8ની વિદ્યાર્થિનીએ ફી બાકી હોઇ શાળા તરફથી અવાર-નવાર અપમાનિત કરતાં તેણીને લાગી આવ્યું અને આપઘાત કરી લેતાં વાલીઓ સ્તબ્ધ : ખાનગી શાળાઓ દ્વારા ફી મુદ્દે વિદ્યાર્થીઓને વર્ગ ખંડની બહાર ઉભા રાખવામાં આવે છે, સ્કૂલમાં મોડા આવે તો તેને મેદાન ફરતે રાઉન્ડ લગાવવાની સજા કરાય છે : જાહેરમાં અન્ય છાત્રોની હાજરીમાં અપમાનિત કરાય છે
(આઝાદ સંદેશ), રાજકોટ : તાજેતરમાં સુરત ખાતે ધો-8ની વિદ્યાર્થિનીને ફી ભરવા બાબતે શાળા તરફથી કહેવામાં આવતાં અને તેના કારણે તેને વર્ગખંડ બહાર તેમજ લેબોરેટરીમાં બેસાડી ભણવાથી વંચિત રાખતા તેણીએ આપઘાત કરી લેતાં રાજ્યના શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયુ છે. આમ છતાં કોઇ અગમ્ય કારણોસર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફી નહીં ભરી શકતા બાળકોને રાજકોટ સહિત રાજ્યની અમુક ચોક્કસ શાળાઓ યેનકેન પ્રકારે ટોર્ચર કરી તેને અભ્યાસ છોડી દેવો પડે તેવી સ્થિતિ ઉભી કરી દેતા હોય છે. રાજકોટમાં પણ અમુક શાળાઓમાં ફકત ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ શાળામાં મોડા આવનાર કે હોમવર્ક નહીં કરનાર અથવા તો પાઠ્ય પુસ્તક કે નોટબુક લાવ્યા ન હોય તેવા છાત્રોને પનીશમેન્ટ એટલે કે સજા કરાય છે.
શિયાળાની કડકડતી ઠંડીમાં વિદ્યાર્થી બે કે પાંચ મિનિટ મોડા આવે તો તેને સ્કૂલના કમ્પાઉન્ડમાં ચક્કર લગાવવાની સજા અપાય છે. વાત આટલેથી જ અટકતી નથી પરંતુ શાળાના વર્ગ ખંડમાં તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં તેને અપમાનિત કરાય છે. કયારેક વર્ગ ખંડની બહાર કે વર્ગ ખંડમાં બેંચ ઉપર ઉભા રાખવાની સજા અપાય છે. હોમવર્ક નહીં કરનારને આપેલુ હોમવર્ક પાંચથી દસ વખત અથવા પાઠ્ય પુસ્તકનો કોઇ એક પાઠ પાંચ વખત લખવા અપાય છે. યુનિફોર્મ નહીં પહેરનારથી માંડી ફી ન ભરનારને રાજકોટની અમુક શાળાઓ આજે પણ સજા કરે છે.
અમદાવાદના ડીઇઓ દ્વારા જાહેર કરાયેલ પરિપત્રની રાજકોટના ઇન્ચાર્જ ડીઇઓ પ્રેરણા લેશે…?
સુરતમાં ફી બાકી હોવાના પગલે ધો-8ની વિદ્યાર્થિનીએ આપઘાત કરતા શૈક્ષણિક આલમથી માંડી વાલીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે ત્યારે બાકી ફી મુદ્દે રાજકોટ સહિત રાજ્યની શાળાઓ વિદ્યાર્થીને પરીક્ષા આપતા રોકતા હોવાની ફરિયાદો ઉઠી છે જેને ધ્યાનમાં રાખી અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ પારોઠના પગલાં ભર્યા છે અને ફી બાકી હોય તે મુદ્દે કોઇ છાત્રનું પરિણામ કે હોલ ટિકિટ જો શાળા તરફથી રોકવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે તેવી ડીઇઓ દ્વારા તાકીદ કરાઇ છે ત્યારે રાજકોટમાં ઇન્ચાર્જ ડીઇઓ અમદાવાદના ડીઇઓની તાકીદ કે પરિપત્રના આધારે રાજકોટની શાળાઓ પરત્વે અમલ કરાવવાની પ્રેરણા લેશે ખરા ? તેવું વાલીઓમાં ચર્ચાઇ રહ્યું છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, બોર્ડની પરીક્ષામાં મુદ્દત પૂર્ણ થયા બાદ પણ લેઇટ ફી સાથે આશરે 2800 જેટલા ફોર્મ ધો-10 અને 12ની પરીક્ષા માટે બોર્ડને મળ્યા હતા.
ફી બાકી હોય તો બોર્ડની પરીક્ષાની રિસિપ્ટ કે પરિણામથી વંચિત રાખવાની ચિમકી અપાય છે
વિદ્યાર્થીઓના વાલીની પરિસ્થિતિ મધ્યમ હોય તો તેવા છાત્રોને યેનકેન પ્રકારે ફી લાવવા માટે મજબૂર કરાય છે. ત્રણ મહિના કે છ મહિના સુધી તો ભાગ્યે જ કોઇ વિદ્યાર્થીની ફી બાકી રખાય છે. હાલ રાજકોટની અમુક શાળામાં ફી બાકી હોય એટલે કે દિવાળી બાદ બીજા શૈક્ષણિક ટર્મની ફી ન ભરી હોય તેવા છાત્રોને બોર્ડની પરીક્ષાની રિસિપ્ટ નહીં અપાય તેવી ચિમકી આપવામાં આવી રહી છે. આવા સંજોગોમાં છાત્રો અભ્યાસ માટે પણ શાળાએ આવતા નથી, શાળામાં ફી બાકી હોય તેવા છાત્રોને તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં અવાર-નવાર અપમાનિત કરાય છે કયારેક બોર્ડના વિદ્યાર્થીની ફી બાકી હોય તો તેને પરિણામ નહીં અપાય તેવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવે છે.