રૂરલ એલસીબીની ટીમે રોકડ, વાહન અને મોબાઇલ ફોન મળી રૂા.16.35 લાખનો મુદામાલ કબજે કર્યો
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ રૂરલ એલસીબીની ટીમે લોધીકાના રાવકી ગામે આવેલ વાડીના મકાનમાં બાતમીના આધારે દરોડો પાડતા 7 શખસો જુગાર રમતા મળી આવ્યા હતા. જેની પાસેથી રોકડ, વાહન અને મોબાઇલ ફોન મળી કુલ રૂા.16.35 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
મળતી વિગત મુજબ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા હીમકરસિંહ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા માટેની સુચનાના અનુસંધાને એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ચાવડા, ગોહીલ તેમજ ટોટા પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન કોન્સ્ટેબલ ભાવેશભાઇ મકવાણાને મળેલ હકીકતના આધારે લોધીકાના રાવકી ગામે રહેતા ખોડાભાઇ બાબુભાઇ ફાચરાની સીમમાં આવેલ વાડીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન વાડીના મકાનમાં ખોડાભાઇ ઉર્ફે ખોડીદાસ બાબુભાઇ ફાચરા (ઉ.40), ધવલ ઘુસાભાઇ સખીયા (ઉ.36), ભુપેન્દ્રસિંહ ઉર્ફે રવુભા ભોજુભા જાડેજા (ઉ.57), દિનેશ પુનાભાઇ પાનસુરીયા (ઉ.43), ગૌતમ વિનુભાઇ લંગાળીયા (ઉ.27), ધવલ મનજીભાઇ ગેડીયા (ઉ.27) અને કાનજી કાળુભાઇ બાંભવા (ઉ.32)ને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા છે. આ શખસો પાસેથી રૂરલ એલસીબીની ટીમે રૂા.3.30 લાખની રોકડ રૂા.1.55 લાખ તેમજ 3 વાહનો કિં.રૂા.11.50 લાખ મળી રૂા.16.35 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બીજા દરોડામાં જેતપુરના નવાગઢમાં શનિવારી બજાર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મુસાભાઇ હાસમભાઇ મુસાણી (ઉ.33) અને સાજીદ ઉર્ફે સાજલો ઇસાભાઇ સાંઘ (ઉ.35)ને ઝડપી લઇ રૂા.12,240/-ની રોકડ કબજે કરવામાં આવી છે.