(આઝાદ સંદેશ),રાજકોટ: શહેરના સાધુવાસવાણી રોડ પર રહેતા અને પડધરીના સાલપીપળીયા ગામે વારસાઈ જમીન ધરાવતા ખેડૂત સાથે કુખ્યાત હિસ્ટ્રીશીટર સહિત ત્રિપુટી વ્યાજે રૂ.35 લાખ ચુકવી બાદમાં જમીનનો દસ્તાવેજ અન્યના નામે કરી દઈ છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ પાટીદાર ચોકમાં આવેલ બાલાજી શેરી નં પમાં રહેતા વિશાલ બાબુભાઈ ગઢીયા નામના ખેડૂતે પડધરી પોલીસમાં અલ્પેશ દોગા, વત્સલકુમાર રસીકભાઈ સખીયા અને રસીક સખીયા સહિત સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે બન્ને ભાઈઓને લોન ભરપાઈ તેમજ હોસ્પિ.માં પૈસાની જરૂરીયાત ઉભી થતા અલ્પેશ દોંગાની પટેલ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસે મળવા ગયા હતા. જયાં શખસે જમીનનું સીકયુરીટી પેટે લખાણ કરી આપો તો લોન થઈ જશે તેમ વાત કરેલ હતી.
બાદમાં શખસને જમીનની ઓરીજનલ ફાઈલ આપી હતી.અને બીજા દિવસે અમો બન્ને ભાઈ અને માતા ત્રણેય મામલતદાર કચેરીએ ગીરો દસ્તાવેજ કરવા ગયા હતા અને બે દિવસ બાદમાં શખસે બેંકમાં રૂપિયા જમા કરાવ્યા હતા. બાદમાં શખસે તેઓના ભાઈના વોટ્સએપમાં અરસ-પરસનું સમજુતી કરારનું લખાણ મોકલેલ હતું બાદમાં ગઈ નવરાત્રીએ તેઓના ભાઈએ બે કટકે રૂ.8 લાખ શખસને ચુકવ્યા હતા. અને ગત.તા.4/10ના તેઓની વાડીએ ભાગીયા કરવા આવેલા કનુભાઈએ તેઓને ફોન કરી કહ્યું કે કોઈ લોકો આવે છે અને જમીન ખાલી કરવાનું કહેલ છે.
જેથી તેઓ તેના પુત્ર સાથે વાડીએ ગયા અને લોન પેટે રૂપિયા લીધાની વાત કરતા વત્સલકુમાર તથા તેના પિતા રસીકે કહ્યું કે તમે અમને દસ્તાવેજ કરી આપ્યો છે. અમને જમીન ખાલી કરી દયો તેમ વાત કરી જતા રહ્યા હતા.
બાદમાં શખસે મળી વાત કરતા તેણે સાદા કાગળનું લખાણ બતાવેલ જેમાં તેઓના ભાઈ રાજેશભાઈને અલ્પેશ દોગાએ રૂ.4 કરોડ ચુકવ્યા હતા તેવુ લખ્યું હતું બાદમાં તપાસ કરતા શખસે ગીરો દસ્તાવેજ કરવાના બહાને જમીનનો દસ્તાવેજ અન્યના નામે કરી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.