ખોડિયારનગરમાં માવતરે રિસામણે આવેલી ભૂમિકા ઉર્ફે ભૂમિબેન સોલંકી (ઉ.વ.19)ના મોતથી પરિવારમાં શોક
(આઝાદ સંદેશ), રાજકોટ : શહેરના ગોંડલ રોડ 150 ફુટ રીંગ રોડ પર ખોડિયારનગર-10માં હાલ માવતરે રિસામણે આવેલી અને ધોળા જંકશનના નંગાડા ગામે સાસરૂ ધરાવતી 19 વર્ષની પરિણીતાએ મોબાઇલ ફોન બાબતે નાના ભાઇ સાથે ચડભડ થતાં મકરસંક્રાંતિના દિવસે જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જાણવા મળ્યા મુજબ ખોડિયારનગર-10માં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં જેરામભાઇ ધનજીભાઇ સોલંકીની દિકરી ભુમિકાબેન (ભુમિબેન) (ઉ.વ.19)એ સાંજે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર ભુમિકાબેનના લગ્ન બે વર્ષ પહેલા ધોળા જંકશન તાબેના નંગાડા ગામે થયા હતાં. જો કે લગ્નના છએક મહિના બાદ પતિએ માથાકુટ કરી માર મારી લેતાં પિતા જેરામભાઇ તેણીને માવતરે લઇ આવ્યા હતાં. ત્યારથી તે માવતરે જ હતી. ગઇકાલે સંક્રાંતિના દિવસે પરિવારના લોકો અગાસીએ પતંગ ઉડાડતાં હતાં ત્યારે ભુમિકાબેન નીચે મોબાઇલ ફોન જોતી હતી. આ વખતે નાના ભાઇએ મારે અગાસીએ ટેપ વગાડવા મોબાઇલ જોઇએ છે કહી મોબાઇલ લઇ લેતાં અને અગાસીએ જતો રહેતાં તેણીને માઠુ લાગી જતાં લટકી ગઇ હતી. આ વખતે જ પરિવારજનો નીચે આવતાં જોઇ જતાં બેભાન હાલતમાં નીચે ઉતારી હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ જીવ બચી શક્યો નહોતો. ભુમિકાબેન બે બહેન અને એક ભાઇમાં મોટી હતી.