ઉષાબેન જાની (ઉ.વ.52)નો દિકરો એક યુવતીને ભગાડી ગયો હોય તેના પરિવારજનો દ્વારા ધાક-ધમકી આપવામાં આવતા ઝંપલાવ્યું’તુ : ગઇકાલે સારવારમાં દમ તોડ્યો
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં કાલાવડ રોડ ઉપર કટારિયા ચોકડીથી આગળ ઇસ્કોન મંદિર પાછળ રહેતા વિપ્ર પ્રૌઢાએ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડતુ મુકી આપઘાત કરી લીધો છે. પ્રૌઢાનો દિકરો એક યુવતીને ભગાડી ગયો હોય તેના પરિવારજનો દ્વારા ત્રાસ અને ધમકી આપવામાં આવતા તેણે કંટાળીને પગલુ ભરી લીધુ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ કાલાવડ રોડ ઉપર કટારિયા ચોકડીથી આગળ ઇસ્કોન મંદિરની પાછળ આવેલ આદિત્ય હાઉસીંગ સોસાયટીમાં રહેતા ઉષાબેન કિશોરભાઇ જાની (ઉ.વ.52) નામના મહિલાએ પરમદિવસે સાંજે છઠ્ઠા માળે આવેલા ફ્લેટથી પડતુ મૂકયુ હતુ જેના કારણે તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ગઇકાલે સવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતુ કે, આપઘાત કરી લેનાર ઉષાબેનનાં પતિ કર્મકાંડ કરે છે. ઉષાબેનને સંતાનમાં બે પુત્રો છે જે પૈકી એક પુત્ર અગાઉ એક યુવતીને ભગાડી ગયો છે. જે યુવતીના પિતા અને ભાઇઓ સહિતનાં પરિવારજનો ઘણા સમયથી ઉષાબેનને ધાક-ધમકી અને ત્રાસ આપતા હોય જેનાથી કંટાળી તેણે આપઘાત કરી લીધો છે. પરિવારજનોએ આ આપઘાત પાછળ જલાભાઇ, મેહુલભાઇ, ગોપાલભાઇ સહિતનાઓની ધમકી હોવાનો આક્ષેપ લગાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.