(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી વચ્ચે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ મારામારીની બે ઘટના સામે આવી હતી. જેમાં એક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ચાની એક હોટલ પાસે પહેલાં 10થી 12 લોકો એકઠા થઈ કોઇ મુદ્દે વાતચીત કરે છે અને તેમાં ઉગ્રતા આવી જતાં સામસામે છરી, ધોકા, પાઈપ, ચા બનાવવાનો તાવીથો અને ખુરશીના છૂટા ઘા કરવામાં આવી રહ્યા છે. હાલ યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 15 શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા આકાશવાણી ચોક ખાતે ભગતસિંહ ગાર્ડન પાસે ઠાકરધણી ચાની હોટલ ખાતે બપોરના 2 વાગ્યા આસપાસ 10થી 12 લોકો આવી એક બીજા સાથે વાચતીચ કરી રહ્યા હતા. આ દરમિયાન કોઇ કારણોસર આ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને ત્યાર બાદ આ મામલો મારામારી સુધી પહોંચી જાય છે. આ ઘટનામાં એક યુવક છરી ઉગામી ધમકાવતો પણ જોવા મળ્યો હતો. જેથી આ મામલો વધુ બિચકતા એક બીજા ઉપર છૂટા હાથની મારામારી તેમજ ધોકા, પાઈપ અને ચા બનાવવાના તાવીથો ઉગામી તથા ખુરશીના છૂટા ઘા મારી જાહેરમાં મારામારી કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા યુનિવર્સિટી પોલીસે રણજીત જોગરાણા, નાગજી જોગરાણા, કિશન બાંભવા, ભરત બાંભવા, પંકજ દામા, જીતુ દામા, સંજુ પરિહાર, ડેનિશ દેસાણી, નિશાંત ઠાકુર, ચક્ર સાઉદ, લોકેન્દ્ર સાઉદ, તેજ સાઉદ, મનોજ ઠાકુર, બીરજુ સાઉદ અને અનુપ સાઉદ સામે બીએનએસની કમલ 192(4) હેઠળ જાહેરમાં સુલેહશાંતી ભંગ કરવા અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
યુનિ.રોડ પર 15 લોકોના ટોળાં વચ્ચે છરી, ધોકા અને પાઈપથી મારામારી : ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી
