ભગવતીપરા રેલ્વે ફાટક પાસે ગત 1/12 ના રાત્રીના હાર્દિક ચૌહાણને અજાણ્યા શખસોએ છરીના ઘા ઝીંક્યા’તા
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતો યુવક દોઢ મહિના પૂર્વે રાત્રીના ફાકી ખાવા ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ફાકી માંગતા ફાકી નહિ આપતાં અજાણ્યા શખ્સો છરી વડે તુટી પડ્યા હતા. બાદ યુવકને સારવારમાં ખસેડાયો હતો. જ્યાં સારવારમાં આજે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. મળતી માહિતી મુજબ ભગવતીપરા શેરી નં-1 મા રહેતાં હાર્દીક નટુભાઈ ચૌહાણ (ઉ.વ.24) નામનાં યુવક પર ગત 1/12 ના રોજ રાત્રિના ભગવતી પરા રેલ્વે ફાટક પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી ગયા હતા. બાદ યુવકને લોહિ લુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે દમ તોડી દેતાં ગમગીની છવાઈ ગઈ હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 1/12/2024 ના રાત્રીના નવેક વાગ્યાની આસપાસ હાર્દીક પાનના ગલ્લે ફાકી ખાવા જતો હતો ત્યારે ભગવતીપરા રેલ્વે ફાટક પાસે પાનના ગલ્લાની નજીક ત્રણ અજાણ્યા શખ્સોએ હાર્દીક પાસે ફાંકી માંગી હતી. ફાકી આપવાની ના પાડતાં યુવકને છરી ઝીંકી દીધી હતી. બનાવની જાણ યુવકનાં પરિવારજનોને થતા તુરંત દોડી ગયા હતા. અને પરિવારજને જોયું તો હાર્દિક જમીન ઉપર ટ્રેકની બાજુના ભાગે લોહીલોહાણ હાલાતમા પડેલ હતો. અને હાર્દિકના પેટના ભાગે આંતરડાનો ભાગ પેટની બહારની તરફ નીકળી ગયેલ હતો. બાદ યુવકને તાકિદે 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા સારવારમાં આજે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવક ત્રણભાઈમાં નાનો હતો. તે ચા ની હોટલમાં કામ કરતો હતો લુંટના ઇરાદે હુમલો હોવાનું મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું.