(આઝાદ સંદેશ),રાજકોટ: આરટીઓ ઓફિસ પાછળ શિવમનગર શેરી નં. પમાં લાઇટબીલ નહીં ભરનાર ગ્રાહકનું વીજ કનેકશન કાપવા ગયેલા પીજીવીસીએલના બે કર્મચારીઓ ઉપર હુમલો કરી, ગાળો ભાંડી, ધમકી આપી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરાયાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.
મળતી માહીતિ મુજબ આટકોટ ગામમાં લીંબડી-પીપળી ચોકમાં રહેતા જયંતિભાઈ ગોવિંદભાઈ દાફડા (ઉ.વ.43) પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસીસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. જેની નોકરી જે ગ્રાહકે વીજ બીલ ન ભર્યું હોય તેનું વીજ કનેકશન કાપવાની છે. આજે સવારે તે દૂધસાગર રોડ પર આવેલી રણછોડનગર સબ ડીવીઝન (આજી-2) ખાતે આવેલી ઓફિસે ગયા હતાં. જ્યાંથી બીજા કર્મચારી તુષારભાઈ ચોટલીયા સાથે વીજ બીલ ન ભરનાર ગ્રાહકોનું લીસ્ટ લીધું હતું.જેમાંથી વિશનદાસ વિરૂમલ મિરાણી નામના ગ્રાહકનું રૂા. 4459નું બીલ ભરાયું ન હતું. પીજીવીસીએલના કર્મચારીઓ અવારનવાર બીલની ઉઘરાણી કરવા જતા હતા પરંતુ બીલ ભરાયું ન હતું. જેથી જયંતિભાઈ બીજા કર્મચારી તુષારભાઈ સાથે તે વીજ કનેકશન કાપવા માટે શિવમનગર શેરી નં. પમાં પહોંચ્યા હતાં. હવે તે મકાનમાં રાહુલ મકવાણા અને તેનો પરિવાર રહે છે. ત્યાં જઈ પોતાની ઓળખાણ આપી કહ્યું કે તમે છેલ્લા ઘણા સમયથી વીજ બીલ ભર્યું નથી, જેથી તમારું વીજ કનેકશન કાપવા આવ્યા છીએ. તે સાથે જ રાહુલે કહ્યું કે હું વકીલ છું, તમે આવી રીતે અમારું લાઈટ કનેકશન કટ્ટ ન કરી શકો. જેથી સામે તેણે કહ્યું કે તમે ઘણા સમયથી વીજ બીલ ભર્યું નથી, તમે સમયસર વીજ બીલ ભરતાં નથી, એટલે કનેકશન કાપવાનું છે.
આટલું કહી ત્યાંથી નીકળી વીજ થાંભલા પર ચડી કનેકશન કાપી નાખ્યું હતું. થાંભલા પરથી નીચે ઉતરી ઉભા હતા ત્યારે રાહુલ, તેના પિતા દિનેશભાઈ અને બે ભાઈઓએ આવી ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં જોર જોરથી બોલી શેરીમાં માણસો ભેગા કર્યા હતાં.ગાળો બોલવાની ના પાડતા રાહુલે તેને હાથથી ધક્કો મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતાં. એટલું જ નહીં તેની અને તુષારભાઈ સાથે હાથાપાઈ કરી કહ્યું કે હવે લાઈટ બીલ ભરવું નથી, થાય તે કરી લેજે. આ રીતે તેની ફરજમાં રૂકાવટ કરી હતી. સાથોસાથ માર મારવાની ધમકી આપી, ગાળાગાળી પણ કરી હતી. આખરે તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યોહતો. જેથી પીસીઆર વાન આવી જતાં રાહુલે કહ્યું કે તારે જ્યાં મારા વિરૂધ્ધ ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજે, હું વકીલ છું, નિવેદન લખાવા આવી જઇશ, મારું કોઇ કાંઈ બગાડી નહીં શકે.બી ડીવીઝન પોલીસે રાહુલ, તેના પિતા અને બે ભાઈઓ સામે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.
બીજા બનાવમાં જામનગર રોડ શેઠ નગરમાં રહેતાં અને બેડીગામ પાસે આવેલ પીજીવીસીએલમાં લાઈનમેન તરીકે ફરજ બજાવતા ગોપાલભાઈ લક્ષ્મણભાઈ ડામોર (ઉ.વ.52) એ કોઠારીયા ગામમાં વીજગ્રાહકોએ બિલ ભરેલ ના હોય તેવાં ગ્રાહકો પાસે બિલના પૈસા ભરાવવા અંગેની કામગિરી હાથ ધરી હતી. ગઈકાલે પીજીવીસીએલના જુનિયર આસિસ્ટન્ટ અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ સાથે પોતે કોઠારીયા ગામમાં ગયા હતા. જ્યાં ભરવાડ વાસમાં રહેતાં ખોડાભાઈ દેવાભાઈએ બિલ ભરેલ ના હોય જેથી વિજકર્મીઓ તેના ઘરે ગયા હતા. જ્યા ખોડાભાઈની ઘરની ડેલી બંધ હોય જેથી ડેલી ખખડાવતા હતાં અને ઘરની અંદર કોઇ છે કે નહી તે માટે ડેલીની આજુ બાજુ જોતાં હતાં તેવામાં ત્યાં બાજુમાં રહેલ પ્રકાશ મૈયા હાડગરડા નામનો શખ્સ આવેલ અને કહેલ કે વિજકર્મીઓને કહેલ કે તમે શું દોડ્યા આવો છો કહીં બોલાચાલી કરવા લાગેલ. અને ઉશ્કેરાઈ જઈને ગોપાલભાઈને ઢીકા પાટુનો માર મારવા લાગેલ તેવામાં તેની સાથે રહેલ વિજકર્મીઓએ બચાવેલ. અને બાદ ગોપાલભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ છે.
પીજીવીસીએલના કર્મીઓને માર મારવાના બે બનાવ
