ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટનાગરિક બેન્કની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય : સંસ્કાર પેનલને એકેય બેઠક ન...

નાગરિક બેન્કની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય : સંસ્કાર પેનલને એકેય બેઠક ન મળી

આરબીઆઇના નોટિફિકેશન મુજબ આઠ વર્ષ કરતાં વધુ સમય બેન્કમાં ડીરેકટર પદ ઉપર રહી ગયેલા ઉમેદવારને ચૂંટણી લડવાની મનાઇ હતી : જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી મુછાર, આરએસી ચેતન ગાંધી સહિતનો સ્ટાફ મતગણતરીમાં સતત ઉપસ્થિત રહ્યો

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેન્કના પ્રતિષ્ઠાભર્યા જંગમાં સહકાર પેનલના તમામ ઉમેદવારો વિજેતા થયા છે. જ્યારે સંસ્કાર પેનલના 11માંથી એકપણ ઉમેદવારનો વિજય થયો નથી. આજે સવારે 150 ફૂટ રિંગ રોડ ઉપર રાજકોટ નાગરિક સહકારી બેન્કની મુખ્ય શાખામાં ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મત ગણતરીનો પ્રારંભ થયો હતો, પ્રારંભે જ સહકાર પેનલના મહિલા ઉમેદવારોએ વિજયના શ્રીગણેશ કર્યા હતા. બન્ને મહિલા ઉમેદવારના વિજયની જાહેરાત બાદ અન્ય 13 ઉમેદવારો સહિત ભાજપ પ્રેરિત આખી સહકાર પેનલનો ભવ્ય વિજય થયો હતો. સૌથી વધારે મતમાં મહિલા ઉમેદવાર જ્યોતિબેન ભટ્ટને 290, કિર્તીદાબેન જાદવને 286 મત મળ્યા હતા. ઉપરોકત ચૂંટણીમાં મહિલા અનામત માટે 332 મતદારોએ મતદાન કર્યું હતું.
રાજકોટ નાગરીક સહકારી બેંકમાં 1953થી આજદિન સુધીમાં યોજાયેલી નાગરીક સહકારી બેંકની પાંચમી ચૂંટણીમાં સંઘ વિચારધારા અને સામુહિક નેતૃત્વ હેઠળની સહકાર પેનલનો આજરોજ ભવ્ય વિજય થયો છે. આજરોજ સવારે મતગણતરી પૂર્ણ થયેલ ત્યારે સંઘ પ્રેરિત સહકાર પેનલના કુલ 15 ઉમેદવારો જંગી બહુમતિથી વિજયી થયેલા છે. અને સહકાર પેનલના 6(છ)ઉમેદવાર બિનહરિફ ચૂંટાયેલા હોય રાજકોટ નાગરીક સહકારી બેન્કના 21 બેઠક ઉપર સહકાર પેનલનો ભવ્ય વિજયી બન્યા છે. આ ચૂંટણીમાં મહિલા અનામત બે બેઠક માટે બહારગામ અને રાજકોટ શહેરના કુલ 332 મતદારોએ મતદાન કરેલ હતું અને બાકીની 13 બેઠક માટે 189 મતદારોએ મતદાન કરેલ હતું. સહકારી બેંકિંગમાં નવા નિયમો અનુસાર પ્રથમવાર કલેક્ટર રાજકોટના નેતૃત્વ હેઠળની પ્રથમ ચુંટણીનું સફળ આયોજન થયેલ હતું. આ ચૂંટણીનું સૌથી અગત્યનું પાસું એ છે કે રાજકોટ નાગરીક સહકારી પૂર્વ ચેરમેન સ્વ. જન્મશંકર ભાઈ અંતાણી,સ્વ. કેશવલાલ પારેખ, સ્વ. એ.પી. પારેખ, સ્વ. પ્રાણલાલભાઈ જોશી, સ્વ. અરવિંદભાઈ મણિયાર, વજુભાઇ વાળા, સ્વ.લાલજીભાઈ રાજદેવ, સ્વ. ચંદ્રકાંતભાઈ પાવાગઢી, જ્યોતિન્દ્રભાઈ મહેતા, નલીનભાઈ વસા, કલ્પકભાઈ મણિયાર, શૈલેષભાઇ ઠાકર તેમજ કાર્યકારી ચેરમેન જીમીભાઈ દક્ષિણી સુધીના સૌના નેતૃત્વ હેઠળ રાજકોટ નાગરીક સહકારી બેન્ક રાજકોટ સહિત ગુજરાત અને મહારાષ્ટ્રમાં રાજકોટ નાગરીક સહકારી બેંકની 38 બ્રાન્ચ મારફત સાડા ત્રણ લાખ સભાસદોનો કાયમી વિશ્ર્વાસ કાયમ રહ્યો છે રાજકોટ નાગરીક સહકારી બેંકનો 10000 કરોડનું ટર્ન ઓવર એ વિકાસમાં મહત્વનું યોગદાન રહેલ છે. એટલું જ નહીં વિશ્ર્વાસ વધુ દ્રઢ બન્યો છે. રાજકોટ નાગરીક સહકારી બેંકમાં નીતિવિષયક નિર્ણયો માટેનું આંતરિક માળખું બોર્ડ ઓફ ડીરેક્ટર, શાખા વિકાસ સમિતિ નિયમિત રીતે એક ટીમ તરીકે કાર્યરત હોય છે.
આ ચૂંટણીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નોટિફિકેશન પ્રમાણે આઠ વર્ષ કરતા વધુ સમય બેન્કમાં ડીરેક્ટર ન રહી શકે તે ધ્યાનમાં રાખીને પ્રવર્તમાન બોર્ડના 10 ડીરેક્ટર જીમીભાઈ દક્ષિણી, શૈલેષભાઇ ઠાકર, નલીનભાઈ વસા, જ્યોતીન્દ્ર મહેતા, ટપુભાઇ લીંબાસિયા, અર્જુનભાઇ શીંગાળા, હંસરાજભાઈ ગજેરા, દિપકભાઇ મકવાણા, રાજેશ્ર્વરી જાની, કાર્તિકેય પારેખ, ચૂંટણી લડેલ ન હતા. એટલું જ નહીં પરિવારવાદને પ્રોત્સાહન ન મળે તે માટે તેમના પરિવારમાંથી કોઈપણ બ્લડ રિલેશનવાળા ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા નથી.
સંસ્કાર પેનલના 11 ઉમેદવારોમાંથી એકપણ ઉમેદવારને 40 મત મળ્યા નથી. જ્યોતિન્દ્રભાઇ મહેતા (મામા)ની આગેવાની હેઠળ ઉપરોકત ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થતાં મહાપાલિકાના મેયર તેમજ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતના પદાધિકારીઓ વિજેતા ઉમેદવારોને મોઢા મીઠાં કરાવવા આવ્યા હતા અને અભિનંદન પણ આપ્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર