કાલાવડ રોડ ઉપર કટારીયા શો રૂમ પાછળનો બનાવ : ઝૂંપડામાં રહેતાં રાજેશકુમાર પાલ (ઉ.વ.45) ના સાવકા પુત્ર જોગિન્દરે ગતરાતે બાઈક લઈ દેવાનું કહી ઝઘડો કર્યો’તો: ઉશ્કેરાટમાં આવી ગયેલા જોગિન્દરે પિતા રાજેશને બોથડ પદાર્થના ઘા મારતાં સારવારમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો : તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેરમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં કાલાવડ રોડ ઉપર કટારીયાના શો રૂમ પાછળ ઝુંપડામાં રહેતા યુવકને તેના સાવકા પુત્રએ બાઈક લઈ આપવા બાબતે માથાકૂટ કરી બોથડ પદાર્થ ઝીંકી દેતા સારવારમાં તેણે દમ તોડી દીધો છે. જેના પગલે બનાવ હત્યામાં પલટાયો છે. જે અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, કાલાવડ રોડ ઉપર 150 રિંગરોડ નજીક કટારીયા ચોકડી પાસે કટારીયા શોરૂમ પાછળ ઝુપડામાં રહેતા કમલેશબેન રાજેશભાઇ કુમારપાલ (ઉ.વ.40)એ તાલુકા પોલીસ મથકે પોતાના પતિ રાજેશની હત્યા કરવા અંગે આરોપી તરીકે જોગિન્દર કિશન રામસુરૂપ નામ આપ્યું હતું. જે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીના પ્રથમ લગ્ન કિશન રામસુરૂપ સાથે થયેલ હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. જેમાં મોટો દિકરો જોગીન્દર અને નાનો મુકેશ છે. સંતાનોના લગ્ન થઈ ગયેલ છે. અને તેઓ તેમના પરિવાર સાથે અલગ અલગ રહે છે. ફરિયાદીને પાંચ છ વર્ષ પહેલાં કૌટુંબિક ભત્રીજા રાજેશ સાથે પ્રેમ સંબંધ થતાં બંને રાજકોટ રહેવાં આવેલ. અને તેણીને સંતાનમાં નથી રાજેશને પણ ત્રણ લગ્ન થયેલ. છેલ્લા દસ બાર દિવસથી ફરિયાદીનો મોટો દિકરો જોગીન્દર તેમની પત્ની સાથે રાજકોટ રહેવાં આવેલ. તે કણકોટ પાટીયા પાસે ઝુપડુ વાળીને રહેતાં. ગત તા.18/11/2024 ના રોજ સાંજના સાતેક વાગ્યાં આસપાસ કોમલ અને તેનો પતિ રાજેશ પોતાના ઝૂપડામાં હતાં ત્યારે જોગીન્દર અને તેની પત્ની જમવા માટે આવેલ હતાં.
બાદમાં રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ જોગીન્દર હોન્ડા લઈ દેવાનું કહી રાજેશ સાથે બોલાચાલી કરી ઝગડો કરવા લાગેલ. બાદમાં સમજાવટ કરી બંને અલગ ગઈ ગયેલ. થોડી વાર બાદ ફરિયાદી ઝૂપડામાં ગયેલ ત્યારે રાજેશએ બૂમ પાડી બોલાવેલ. ત્યારે તુરંત ત્યાં જતાં રાજેશને માથામાં લોહી નીકળેલ હતું. જે બાબતે પૂછતાં રાજેશે કહેલ કે, જોગીન્દરે મને માથામા મારેલ. અને જોગીન્દર તથા તેમની પત્ની ઝુપડેથી જતા રહેલ હતા. બાદમાં રાજેશને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર અર્થે વેદાંત હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ આરોપી જોગિન્દર કિશન રામસુરૂપની અટકાયતની તજવીજ હાથ ધરી છે.