(આઝાદ સંદેશ) નવી દિલ્હી : કેબિનેટની બેઠકમાં મોદી સરકારે વન નેશન વન ઈલેક્શનના બિલને મંજૂરી આપી દીધી છે. સરકાર સંસદના ચાલુ શિયાળુ સત્રમાં બિલ લાવી શકે છે. પહેલા આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ પાસે જશે અને પછી તેના પર તમામ રાજકીય પક્ષોના સૂચનો લેવામાં આવશે. આખરે આ બિલ સંસદમાં લાવવામાં આવશે અને તેને પસાર કરવામાં આવશે. એકસાથે ચૂંટણી યોજવી એ ભારતીય જનતા પાર્ટીએ તેના લોકસભા ચૂંટણી ઢંઢેરામાં આપેલા મહત્વના વચનોમાંનું એક હતું. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને સ્વીકાર્યા બાદ મોદી સરકારે આ પગલું ઉઠાવ્યું છે. સમિતિએ તબક્કાવાર રીતે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજવાનું સૂચન કર્યું છે. આ પહેલા બુધવારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની જોરદાર હિમાયત કરી હતી અને દલીલ કરી હતી કે વારંવાર ચૂંટણીને કારણે દેશનો વિકાસ અવરોધાઈ રહ્યો છે. કુરુક્ષેત્રમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ દરમિયાન આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.