વિજય ધંધુકીયા 10 દિવસ પહેલાં ખેડૂત અજયભાઈની વાડીએ ટીસીમાં ડિયો ચડાવવા ગયો અને લાઈટ આવી જતાં યુવાન ગંભીર રીતે દાઝી ગયો ’તો : રાજકોટ સારવારમાં દમ તોડ્યો
(આઝાદ સંદેશ), રાજકોટ : દેવભૂમિ દ્વારકાના જાંબુસર ગામની સીમમાં વિજશોક લાગતાં 30 વર્ષીય યુવાનનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. દસ દિવસ પહેલાં વાડીએ ટીસીમાં ડિયો ચડાવવા ગયો અને લાઈટ આવી જતાં યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. મળતી માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકાના જસાપર ગામનો વતની અને હાલ જાંબુસર ગામની સીમમાં ખેડૂત અજયભાઈ લાખાભાઈની વાડીએ રહી કામ કરતો વિજયભાઈ માથુરભાઈ ધંધુકિયા (ઉ.વ.30) ગઈ તા.8 ના તે વાડીએ હતો ત્યારે લાઈટ ન હતી ત્યારે વાડીમાં આવેલ ટીસીમાં ડિયો ચડાવવા માટે ચડ્યો હતો. ત્યારે અચાનક જ લાઈટ આવી જતાં યુવાનને વિજશોક લાગ્યો હતો.
વીજ કરંટ લાગતાં જ યુવાન શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેમને તુરંત સારવાર અર્થે પ્રથમ ભાણવડ બાદ અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભાણવડ પોલીસને જાણ કરી હતી.
મૃતક ખેતીકામ કરતો અને ત્રણ ભાઈમાં મોટો તેમજ અપરિણીત હતો. તેમના એક ભાઈનું અગાઉ અવસાન થયેલ છે અને હાલ તે માતા સાથે રહેતો હતો. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
બીજા બનાવમાં જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા જગદીશભાઇ રામજીભાઇ રાઠોડ (ઉ.વ.59) ગત તા.16ના રોજ વંથલીના માણાવદર રોડ ઉપર આવેલ પાણીના ટાંકા પાસે સરકારી ગોડાઉનની છત ઉપર સેન્ટ્રીંગ કામ કરતા હોય તેઓને ઇલેકટ્રીક શોક લાગતાં દાઝી જતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વંથલી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં જગદીશભાઇ જ્યાં કામ કરતા હતા તેની ઉપરથી 66 કેવીની લાઇન પસાર થતી હોય જેને અડકી જતા દાઝી ગયા હતા.