રાજ્ય પોલીસ વડા દ્વારા કૌભાંડની તપાસ એસએમસીને સોંપવાનો આદેશ : તમામ આરોપીના રિમાન્ડ મેળવાયા
(આઝાદ સંદેશ),રાજકોટ: કંડલા બંદરથી રાજસ્થાન જતાં ટ્રકમાંથી વિદેશી એટલે કે પેટ્રોલિયમ કોક કે જે પેટ કોક તરીકે પણ ઓળખાય છે તેની અને દેશી કોલસાની ચોરીનું મસમોટું કારસ્તાન એસએમસીએ મોરબીથી ઝડપી લીધું હતું. હવે આ પ્રકરણની તપાસ ડીજીપીએ એસએમસીને જ કરવાનો હુકમ કર્યો છે. એટલું જ નહીં એસએમસીની પ્રાથમિક તપાસમાં છેલ્લા એકાદ વર્ષથી આ કારસ્તાન ચાલતું હોવાનું પણ ખુલ્યું છે. સાથોસાથ એક પીએસઆઈ અને બે જમાદારની પણ સંડોવણી ખૂલી છે.એસએમસીએ મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક પેટ્રોલ પંપ ખાતે રેડ કરી આ કારસ્તાન ઝડપી લીધું હતું. સ્થળ પરથી રૂા. 2.05 કરોડનો 1584 ટન પેટ કોક, રૂા. 4.80 લાખનો 500 ટન દેશી કોલસો, વાહનો વગેરે મળી કુલ રૂા. 3.57 કરોડના મુદ્દામાલ સાથે કુલ 12 આરોપીઓને ઝડપી લીધા હતાં. જે અંગે મોરબી તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયો હતો. એસએમસીને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કોલસા ચોરીનું આ કારસ્તાન છેલ્લા એકાદ વર્ષથી ચાલતું હતું. જે સ્થળે દરોડો પડયો ત્યાં ગત ઓગસ્ટ મહિનાથી કારસ્તાન ચાલતું હતું. જેમાં મોરબી પોલીસની એક બ્રાંચના પીએસઆઈ અને બે જમાદારની પણ સંડોવણી છે. એસએમસીના દરોડાના પગલે મોરબી તાલુકા અને સિટીના 11 જેટલા પોલીસમેનોની તાત્કાલિક અસરથી બદલી પણ કરવામાં આવી છે. પરંતુ પ્રાથમિક તપાસમાં જેની સંડોવણી ખૂલી છે તેની સામે કોઈ પગલાં લેવાયા નથી. જે બાબત આશ્ચર્યજનક છે. એસએમસીએ સ્થળ પરથી ઝડપી લીધેલા આરોપી ભાવેશ પ્રાણજીવન શેરસિયા, જયદેવ કરસનભાઈ ડાંગર, મયુરરાજસિંહ સુખદેવસિંહ જાડેજા, સારંગ સુરેશભાઈ ગાંભવી, ભીખુભાઈ વનરાવનભાઈ ઠક્કર, જયદીપગિરી ભરતગિરી ગોસ્વામી, ગુડુકુમાર ભુધનરાય યાદવ, રાહુલ બનારસીરાય યાદવ, સંજૂ કિશનભાઈ નિનામા, વિપુલ પાસુંભાઈ પરમાર, દિપક પ્રભાતભાઈ આહીર સહિતના 12 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી આગામી તા. 13 સુધી છ દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે.
તમામ આરોપીઓને એસએમસીની કચેરી ગાંધીનગર ખાતે પૂછપરછ માટે લઇ જવાય તેવી શક્યતા છે. જેમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી પણ સંભાવના છે.