🚨 રાજકોટ | કોર્પોરેશન ચોકમાં વૃદ્ધ રીક્ષા ચાલક પર હોન્ડા ચાલકનો હુમલો
રાજકોટ શહેરના કોર્પોરેશન ચોક ખાતે એક સામાન્ય અકસ્માત બાદ માનવતા શર્મિંદી થાય તેવી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક હોન્ડા મોટરસાયકલ અને વૃદ્ધ રીક્ષા ચાલક વચ્ચે નાનો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ વાતાવરણ ગરમાયું અને હોન્ડા ચાલકે ગુસ્સામાં આવી વૃદ્ધ રીક્ષા ચાલક પર મુઠ વડે માર માર્યો.
ઘટનાના દ્રશ્યો જોઈ આસપાસના લોકો એકત્ર થયા હતા. જાહેર સ્થળે થયેલી આ ઘટનાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વૃદ્ધ રીક્ષા ચાલકને ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. CCTV ફૂટેજના આધારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
🚨 મોરબી | હળવદ તાલુકાના કડીયાણા ગામે તસ્કરોનો આતંક, CCTVમાં કેદ થયા ચાર ચોર
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડીયાણા ગામે તસ્કરો ફરી ત્રાટક્યા છે. એક જ રાત્રે ચાર જેટલા મકાનોને નિશાન બનાવી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી. સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
વિડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ચાર તસ્કરો કેમેરા સામે લાઈટો કરીને પોતાના ચહેરા કેમેરામાં ન આવે તેવા પ્રયાસ કરતા નજરે પડે છે. તસ્કરોએ બેફામ રીતે ચોરી કરી હળવદ પોલીસને સીધો પડકાર ફેંક્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
ચોરીની ઘટના બાદ ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.


