રાજકોટ: રાજકોટની નવી કોર્ટ બિલ્ડિંગને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં હડકંપ મચી ગયો છે. ધમકીભર્યો ઈ-મેલ મળ્યાની માહિતી સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા મળતાની સાથે જ યુનિવર્સિટી પોલીસ, SOG, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી ગયા હતા. સુરક્ષાના પગલે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવી ખૂણેખૂણાનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. આ દરમિયાન સુરક્ષાના કારણોસર કોર્ટની તમામ કામગીરી તાત્કાલિક મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોર્ટ અને કલેક્ટર કચેરીને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે, જેમાં મોટાભાગે ધમકીઓ પોકળ સાબિત થઈ હતી.
હાલમાં આ ઈ-મેલ ક્યાંથી મોકલાયો છે અને કોણે મોકલ્યો છે તે જાણવા માટે સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ તંત્રનું કહેવું છે કે સંપૂર્ણ તપાસ બાદ જ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે.
રાજકોટ નવી કોર્ટ બિલ્ડિંગને ઈ-મેલ દ્વારા બોમ્બ ધમકી, પોલીસનો ભારે બંદોબસ્ત


