મોરબી:
મોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રોડ પરના દબાણ દૂર કરવા માટે હાથ ધરાયેલી કાર્યવાહી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. વન વીક વન રોડ અભિયાન અંતર્ગત ડિમોલિશન માટે મહાનગર પાલિકાની ટીમ બે કલાકથી સ્થળ પર હાજર હોવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી શરૂ ન થતાં સમગ્ર ઘટનાએ નાટકીય સ્વરૂપ ધારણ કર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના મુખ્ય માર્ગ પર દબાણ હટાવવા માટે પાલિકાની ટીમ ભારે મશીનરી અને અધિકારીઓ સાથે પહોંચી હતી. જોકે, લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને અસંતોષ જોવા મળ્યો હતો. દુકાનદારો અને વાહનચાલકો માટે આ સ્થિતિથી અવરજવર અસરગ્રસ્ત બની હતી, જ્યારે પાલિકાની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી હોવાનું જણાઈ રહ્યું છે.
આ ઘટનાને લઈને મહાનગર પાલિકાના અધિકારીઓની અણઆવડત કે બેદરકારી હોવાની ચર્ચા શહેરમાં તેજ બની છે. વન વીક વન રોડ જેવી મહત્વપૂર્ણ યોજના અંતર્ગત દબાણ દૂર કરવાની કામગીરીમાં આવી ઢીલાશ પાલિકાની કાર્યક્ષમતા પર સવાલો ઊભા કરી રહી છે. હવે નાગરિકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે કે મહાનગર પાલિકા આ મુદ્દે સ્પષ્ટતા કરે અને કાર્યવાહી માટે ચોક્કસ સમયપત્રક જાહેર કરે.


