વહેલા ઉઠવા બાબતે સેના બીલવાળને પતિ ઈશ્વર સાથે માથાકૂટ થઇ હોય જેમાં પોતે પણ દવા પી લેતાં મોત નીપજ્યું’તું : જામકંડોરણા પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી
(આઝાદ સંદેશ), રાજકોટ : જામકંડોરણાના સનાળા ગામે દીકરા – દીકરીને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારનાર માતા સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. પતિએ વહેલા ઉઠવા બાબતે ઠપકો આપતા પત્નીએ આ પગલું ભર્યું હતું.
સમગ્ર બનાવ અંગે ઈશ્વરભાઈ ચીમનભાઈ બીલવાળ (ઉ.વ.-38, રહે.હાલ સનાળા ગામની સીમમાં અલ્પેશભાઇ હંસરાજભાઈ પૌશીયાની વાડીએ તા. જામકંડોરણા, મુળ ગામ કાટુ, નિશાળ ફળીયુ, તા. ધાનપુર જિ.દાહોદ)એ જણાવ્યું કે, હું મારા પરિવાર સાથે રહું છું અને છેલ્લા નવેક વર્ષથી સનાળા ગામની સીમમાં અલ્પેશભાઇ હંસરાજભાઈ પૌશીયાની વાડીએ ખેતીની જમીન ભાગમાં વાવી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મારે બે પત્ની છે. જેમાં પ્રથમ પત્ની લીલા છે. જેના સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જેમાં મોટો દીકરો કિસ્મત (ઉ.વ.15) છે. તેનાથી નાની દીકરી આસુડી (ઉ.વ.13) છે. તેમજ મારી બીજી પત્ની આજથી આઠેક વર્ષ પહેલા કરેલ હતી. જેનું નામ સેના છે. તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા. જેમાં મોટી દીકરી કાજલ (ઉ.વ.6) હતી અને તેનાથી નાનો દીકરો આયુષ (ઉ.વ.5) નો હતો.
તા. 11/12/2024 ના સવારમાં હું તથા મારી મોટી પત્ની લીલા તથા મારા બાળકો એમ જાગીને ચા નાસ્તો કરતા હતા. તે વખતે મારી બીજી પત્ની સેના સવારમાં મોડી જાગેલ હોય, જેથી મેં તેને કહેલ કે, સવારમાં વહેલા ઉઠીની કામ કરશો તો બે પૈસા કમાશું. તેમ ઠપકો આપેલ હતો. તે પછી તે ત્યાં ઓરડીએ કપાસના જીંડવા ફાટી ગયેલ હોય, તેમાંથી રૂ કાઢવાનું કામ કરતી હતી. તે પછી બધા બપોરે સાથે જમ્યા હતા.
તે પછી મારી મોટી પત્ની લીલા તથા મારો મોટો દીકરો કિસ્મત એમ બંને જીરૂ નીંદવા જતા રહેલ હતા. તેમજ મારી નાની પત્ની સેના તથા તેના બંને બાળકો ઓરડીએ હતા. હું એક વાગ્યે મારા ભાઈ નરશીભાઈ ચીમનભાઈ બીલવાળે જામકંડોરણા ગોંડલ રોડે ઝુંપડું બનાવી રહેતો હોય, ત્યાં આંટો મારવા નીકળેલ હતો. જામકંડોરણા મારા ભાઈને ત્યાં આટો મારી હું સાંજના છએક વાગ્યે પાછો અમો રહેતા હોય, ત્યાં જતો હતો તે વખતે આંચવડ પહોંચેલ ત્યારે મારી મોટી પત્ની લીલાનો ફોન આવેલ અને તેમણે જણાવેલ કે, અમો બુમો પાડીએ છીએ તો પણ સેના બારણું ખોલતા નથી. તમે જલ્દી આવો. ત્યાં જઈ જોયુ તો મારી નાની પત્ની સેનાએ ઓરડીનું બારણું અંદરથી બંધ કરી દીધેલ હતું. તેમજ તેની સાથે મારા બંને બાળકો જેમાં કાજલ અને આયુષ સાથે હતા.
તે પછી મેં લોખંડ કાપવાની આરી પાના વડે અંદરનો નકુચો કાપી નાખી બારણુ ખોલી જોતા મારી પત્ની સેના તથા મારા બંને બાળકો બેભાન હાલતમાં પડેલ હતા. પત્નીના મોઢામાંથી ફીણ નીકળી ગયેલ હતા. જેથી આ મારી પત્નીએ ઝેરી દવા પોતે તથા મારા બંને બાળકોને પીવડાવી દીધેલ હોય, તેવું જણાયું હતું. દરમિયાન 108 એમ્યુલન્સ આવી જતા તેના સ્ટાફે મારી પત્નીને તથા મારા બંને બાળકોને મૃત જાહેર કર્યાં હતા. હાલ જામકંડોરણા પોલીસે બંને બાળકોને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાથી મૃતક માતા સેના સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.