(આઝાદ સંદેશ), જામનગર :જામનગરમાં એક પરિવારનો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો છે. જી.જી. હોસ્પિટલમાં દાખલ પિતાની ખબર કાઢવા માટે ગયેલા પુત્ર અને પુત્રવધૂ પર તેના જ સગા ભાઈ-ભાભી વગેરે ચાર વ્યક્તિએ હીચકારો હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે, જયારે ઇજાગ્રસ્ત દંપત્તિને સારવાર અપાઇ છે. જામનગરમાં કામદાર કોલોની શેરી નં-08, અરીહંત એપાર્ટમેન્ટ, પહેલા માળે રહેતા મામદભાઈ અબુભાઈ ખફી તા, ર9મીના રોજ પોતાના પિતાને જી.જી. હોસ્પિટલ દાખલ કર્યા હોવાથી પત્નીને સાથે લઈ પિતાની ખબર પૂછવા હોસ્પિટલ ગયા હતા. દરમિયાન રાત્રે તેઓ પિતાને જોઈ હોસ્પિટલ નીચે ઉતરી રસ્તા પરથી ચાલીને જતા હતા, ત્યારે નાઘેડી ગામે રહેતા તેઓને સગાભાઈઓ હનીફભાઈ અબુભાઈ ખફી, તથા સબીરભાઈ અબુભાઈ ખફી અને બંનેની પત્નીઓ રજીયાબેન સબીરભાઈ ખફી તથા રેમાબેન હનીફભાઈ ખફીએ પાછળથી આવી બોલાચાલી કરી હતી. સૌપ્રથમ બાઈકથી ઠોકર મારી નીચે પછાડી દીધા હતા, ત્યારબાદ માથામાં પથ્થર મારી ઇજા પહોંચાડી હતી જેથી દંપતી ઘાયલ થયું હતું અને બંનેને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ છે. સમગ્ર પરિવાર વચ્ચે છેલ્લા ચાર વર્ષથી મનદુ:ખ ચાલતું હતું અને ફરિયાદી અલગ જામનગર રહેવા આવી ગયા હતા. દરમિયાન ગત 29મી તારીખે હોસ્પિટલમાં પિતા ને જોવા જતી વખતે આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. સિટી બી. ડિવિઝન પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.