(આઝાદ સંદેશ), જામનગર : જામનગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે ઈંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઉતારવામાં આવ્યો છે અને તેનો કટીંગ થઈ રહ્યું છે તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ લાલપુરની પોલીસ ટીમ સતર્ક બની હતી અને લાલપુર પોલીસે મચ્છુ બેરાજા ગામમાં એક મકાનમાં સંતાડવામાં આવેલો રૂ.31 લાખની કિંમતનો 402 પેટી જેટલો જંગી દારૂનો જથ્થો કબ્જે કરી લીધો છે. જે દારૂના ધંધાર્થી દ્વારા એક વાહનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો કટીંગ કરવામાં આવી રહ્યો હતો દરમિયાન એલસીબીની ટુકડીએ લાલપુરના ડબાસંગમાં વોચ ગોઠવી એક વાહનમાં લઈ જવાતો વધુ 1428 નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો અને એક વાહન સહિત રૂ.14.35 લાખની માલ મતા કબજે કરી લઇ બે આરોપીને અટકાયતમાં લીધા છે જયારે ત્રણ સપ્લાયરોના નામો ખુલ્યા છે. મળતી માહિતી મુજબ, જામનગર પંથકમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે દારૂના પ્યાસીઓને મોટા પ્રમાણમાં દારૂ પૂરો પાડવા માટે કેટલાક બુટલેગરો સક્રિય બન્યા હતા, અને લાલપુર પંથકમાં તાજેતરમાં જ મોટો ઈંગ્લિશ દારૂ ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે લાલપુરના પી.એસ.આઇ. એસ.પી.ગોહિલ તેમજ સ્ટાફના દિગુભા જાડેજા, તેમજ જયરાજસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામની સીમમાં આવેલા નરેન્દ્ર ઉર્ફે નંદુ બાબુલાલ રાઠોડ કે જે પોતે હાલ જામનગર નજીક હાપા સ્ટેશન વિસ્તારમાં રહે છે, પરંતુ અહીં મચ્છુ બેરાજામા તેનું મકાન આવેલું છે, જે મકાનમાં મોટો દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.જે દરોડા દરમિયાન મકાનમાંથી કુલ (402 પેટી) 4828 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત રૂ.31,25,952 થાય છે. જે માતબર રકમનો અંગ્રેજી દારૂ કબ્જે કરી લીધો હતો અને લાલપુર પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધી તે ગુનામાં આરોપી નરેન્દ્ર બાબુલાલ રાઠોડને ફરારી જાહેર કર્યો હતો. દરમિયાન એલસીબીની ટુકડી પણ મોટો ઈંગ્લીશ દારૂનો જથ્થો વાહનમાં હેરાફેરી કરવામાં આવી રહ્યો છે તેવી બાતમીના આધારે લાલપુર પંથકમાં વોચ ગોઠવી હતી, જે દરમિયાન ડબાસંગ રોડ પર ફાટક પાસેથી પસાર થઈ રહેલા એક બોલેરો પીકપ વેનને અટકાવીને તેની તલાસી લેતાં તેમાંથી વધુ 1428 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂ.14 લાખ 35 હજારની માલમતા કબજે કરી લીધી હતી. જ્યારે જે ઈંગ્લીશ દારૂ હેરાફેરી થતી હતી તેમાં બઠેલા નરેન્દ્ર બાબુભાઈ રાઠોડ કે જેણે મચ્છુ બેરાજામાં દારૂનો મોટો જથ્થો ઉતાર્યો હતો, અને ત્યાંથી જ કટીંગ કરવા માટે નીકળ્યો હતો તેની અને તેની સાથે રાજકોટના જયપાલસિંહ લાલુભા વાઘેલા નામના વાહનચાલકની અટકાયત કરી લીધી હતી. જે બન્નેની વધુ પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો મૂળ દમણ અને ત્યારબાદ રાજકોટ તરફથી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, અને તે દારૂનો જથ્થો સપ્લાય કરવામાં મૂળ જામનગરના રાહુલ મેર ઉર્ફે લાંબો, રાજકોટના સાજીદભાઈ, અને મૂળ રાજકોટના અને હાલ જામનગર રહેતા અશરફ દોસ્તમામદ કોચલીયાના નામો ખુલ્યા હતા, જે ત્રણને ફરારી જાહેર કરાયા છે, અને તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.