ઠગાઈ આચારી આરોપી વિદેશ ભાગી જતાં તપાસ તેજ કરાઈ
(આઝાદ સંદેશ), જામનગર : જામનગરના એક કારખાનેદારે ઉદ્યોગનગર વિસ્તારમાં એક શેડ ખરીદવા માટે જામનગરના એક શેડ ધારક પાસેથી રૂપિયા 55 લાખમાં સોદો કર્યા પછી 35 લાખ જેવી રકમ ચૂકવી દેતાં શેડ ધારકે પૈસા લઈ જઈ દસ્તાવેજ નહીં કરી આપી બેંગકોક ભાગી છૂટ્યો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. અગાઉ શેડધારકે કારખાનેદાર સામે વ્યાજખોરીની ખોટી ફરિયાદ નોંધાવી ઝેર પીવાનું નાટક પણ કર્યું હતું, જોકે જે તે વખતે પોલીસે ઉપરોક્ત ફરિયાદના સંદર્ભમાં આરોપી સામે ખોટી ફરિયાદ અંગે નો બી. સમરી રિપોર્ટ કરાયો છે.
મળતી માહિતી મુજબ, જામનગરમાં બાલમુકુંદ સોસાયટીમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા સુખદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના કારખાનેદારે પોતાની સાથે શેડ ખરીદવાના મામલે રૂપિયા 35 લાખની છેતરપીંડી કરવા અંગે જામનગરના ગોકુલ નગરમાં રહેતા મહેશ ભુપતભાઈ ફલિયા સામે ફરિયાદ નોંધાવી છે. જે આરોપી હાલ બેંગકોક ભાગી છૂટ્યો હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. જેને ભારત લાવવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરાઈ છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સુખદેવસિંહ જાડેજાએ આરોપી મહેશ ફલીયા પાસેથી તેનો ઉદ્યોગના વિસ્તારમાં આવેલો શેડ 55 લાખ રૂપિયામાં ખરીદ કરવા માટેનો સોદો કર્યો હતો, જેના પેપર તૈયાર કરાયા હતા, અને કટકે કટકે 35 લાખ જેવી રકમ આપી દીધી હતી. જેના અલગથી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત આરોપીએ ઉપર 25 લાખની લોન ચડત હોવાથી તે લોન ભરપાઈ કરવા ના બહાને કારખાનેદાર પાસેથી પૈસા મેળવી લીધા પછી બેંક લોન ભરપાઈ કરી ન હતી કે સેડના વેચાણના દસ્તાવેજ કે અન્ય કોઈ કરાર કરીને આપ્યા ન હતા.આખરે સુખદેવસિંહ જાડેજા દ્વારા સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને પી.એસ.આઈ. આર.ડી ગોહીલે આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ આરોપી મહેશ ફલીયા સામે આઇપીસી કલમ 406 મુજબ ગુનો નોંધ્યો છે.જોકે હાલ આરોપી બેંગકોક છેલ્લા આઠેક દિવસથી ભાગી છૂટ્યો હોવાથી તેને ભારત લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
પોલીસની પૂછપરછ દરમિયાન અગાઉ પૈસા ન આપવા માટે ફરિયાદી સુખદેવ સિંહ જાડેજા સામે આરોપી મહેશ ફલીયાએ ચાર મહિના પહેલા વ્યાજ વટાવ અંગેની ખોટી ફરિયાદ નોંધાવી હતી, અને તેના ત્રાસના કારણે પોતે ફિનાઈલ પીધું છે, તેવું નાટક પણ કર્યું હતું. અને એક દિવસની જીજી હોસ્પિટલમાં સારવાર પણ મેળવી હતી. જે અંગે સીટી સી. ડિવિઝનમાં ગુનો નોંધાયો હતો.જો કે પોલીસની તપાસ દરમિયાન આ ફરિયાદ ખોટી હોવાથી સીટી સી. ડિવિઝનને પી.એસ.આઈ આર.ડી. ગોહિલ દ્વારા આ ફરિયાદના બનાવવામાં બી. સમરી ભરવામાં આવી છે અને ફરિયાદ ખોટી હોવાનો ઉલ્લેખ અને પુરાવાઓ એકત્ર કરીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જે કેસ હાલ અદાલતમાં પેન્ડિંગ છે.