સુરતના મહીધરપુરા પોલીસે ગુનો નોંધી ચારેયને દબોચી લઇ રૂ.35 લાખની રોકડ કબજે કરી
(આઝાદ સંદેશ),રાજકોટ: હીરા દલાલને બે દિવસમાં 3 થી 4 ટકા નફાની લાલચ આપી રૂ.49.53 લાખ પડાવનાર મૂળ ધોરાજીના વતની અને મુંબઈ મીરા રોડના કાપડ વેપારી, તેના ધોરાજીમાં રહેતા મિત્ર અને બે સાગરીતને મહિધરપુરા પોલીસે મુંબઈથી પકડી પાડી રોકડા રૂ.35. 20 લાખ કબજે કર્યા છે. બંને મિત્રોએ અન્યો સાથે પણ ઠગાઈ કરી છે પણ કોઈ ફરિયાદ કરવા આવ્યું નથી.
મળતી માહિતી મુજબ મૂળ બોટાદ ગઢડા (સ્વામીના ) અડતાળાના વતની અને સુરતમાં ડભોલી સ્વરાજ હાઈટસ ફ્લેટ નં. 103 માં રહેતા 49 વષીય જગદીશભાઈ જીવરાજભાઈ ગોળકીયા મહિધરપુરા હીરાબજારમાં દલાલીનું કામ કરે છે.દોઢ વર્ષ અગાઉ સંર્પકમાં આવેલા સાહિલે તેમને સોનામાં રોકાણ કરી બે થી ત્રણ દિવસમાં જ 3 થી 4 ટકા નફો અપાવવાની વાત કરી હતી.શરૂઆતમાં ઇન્કાર કરનાર જગદીશભાઈએ બાદમાં માત્ર બે દિવસ પુરતુ રોકાણ કરવાનું હોવાથી ગત 26 નવેમ્બરે સાહિલના બે ભાગીદાર જયદીપ અને અવેશ નાગાણીને ભવાનીવડની આંગડિયા પેઢીમાં રોકડા રૂ. 49.53 લાખ મોકલ્યા હતા.જોકે, ત્યાર બાદ સાહીલે થોડીવારમાં રોકાણ કરી દઉં છું એમ કહ્યા બાદ બીજા દિવસે જયદીપે ફોન કરી રોકાણ કરવાની ડીલ કેન્સલ થઇ છે અને તમારૂ પેમેન્ટ પરત આપવા ભવાનીવડ ખાતે આવું છે એમ કહ્યું હતું. આથી જગદીશભાઈ ભવાનીવડ ખાતે ગયા હતા પણ રાહ જોયા બાદ સાહિલને ફોન કર્યો તો તેનો અને જયદીપ તેમજ અવેશનો ફોન બંધ હોય છેવટે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિધરપુરા પોલીસે બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી મુંબઈ ખાતેથી સાહિલ તરીકે ઓળખ આપી પૈસા લઈ ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર મોહમૂદ ઉર્ફે મોહસીન યુનુસ જુણેજા ( ઉ.વ.39), અહમદ અજીમ માકડા (ઉ.વ.39), અવેશ અસગર નાગાણી (ઉં.વ.33), કુલદીપ મુકેશભાઈ માવાણી (ઉ.વ.29)ને મુંબઈથી ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.35. 20 લાખ કબજે કર્યા હતા. તમામની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ઠગાઈની યોજના મોહસીન અને તેના મિત્ર અવેશે બનાવી હતી.હીરાદલાલ જગદીશભાઈએ પૈસા આંગડીયામાં મોકલ્યાના ત્રણ દિવસ બાદ અવેશ, અહમદ અને કુલદીપ ત્યાં પૈસા લેવા ગયા હતા.મુખ્ય સૂત્રધાર બંને મિત્રોએ અન્યો સાથે પણ ઠગાઈ કરી છે પણ કોઈ ફરિયાદ કરવા આવ્યું નથી.વધુ તપાસ પીએસઆઈ એસ.એસ.જસાણી કરી રહ્યા છે.