છગનભાઈ કંટોલીયા (ઉ.વ.55)એ રાજેન્દ્ર રૈયાણી સામે નોંધાવી ફરિયાદ
(આઝાદ સંદેશ),રાજકોટ : ગોંડલના બાંદરામાં ગામના સરપંચને ગામ પાસે આંતરી પૂર્વ સરપંચ સહિત બે શખ્સોએ ‘તું આપણી ગ્રામ પંચાયતમાંથી રાજીનામુ આપી દેજે’ કહી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં ગોંડલ સીટી પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ગોંડલના બાંદરામાં સોનલ આશ્રમની બાજુમાં રહેતાં છગનભાઈ રામજીભાઇ મકવાણા (ઉ.વ.55) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાજેન્દ્ર ઉકા રૈયાણી (પૂર્વ સરપંચ બાંદરા) અને તેની સાથે મોઢા પર કપડું બાંધી આવેલ એક અજાણ્યા શખ્સનું નામ આપતાં ગોંડલ સીટી પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામની સાથે સાથે છેલ્લા ત્રણ વર્ષથી બાંદરા ગામના સરપંચ તરીકે સેવા આપે છે. ગઈ તા.13ના તેઓ ઘરેથી સવારના સમયે તેઓ તેમના મિત્ર રાહુલભાઈ ઘોણીયા સાથે આગલા દીવસે નક્કી થયા મુજબ ગોંડલ તાલુકા પંચાયત કચેરી ખાતે કામ અર્થે જવાનુ હોવાથી તેઓ ગામના બસ સ્ટેન્ડ પાસે પહોચેલ હતાં. બાદમાં તેઓ તેના મિત્ર સાથે બાઇકમાં ગોંડલ આવવા નીકળેલ અને તે દરમ્યાન કંટોલીયા ગામથી થોડે દુર આવેલ ખોડીયાર માતાજીના મંદીર પાસે પુલના છેડે પહોંચતા તેઓ બંને લઘુશંકા કરવા ઉભા રહેલ હતા. તે દરમ્યાન ગામ તરફથી બે અલગ અલગ બાઇકમાં બે વ્યકિતઓ આવેલ જેમાં એક તેમના ગામના પૂર્વ સરપંચ રાજેન્દ્ર રૈયાણી અને તેની સાથે એક અજાણ્યો વ્યકિત મોઢે કપડુ બાંધી ઘસી આવેલ હતાં. ફરીયાદી સરપંચ થયા ત્યારથી તેઓ ઉપર દ્વેષ ભાવના રાજેન્દ્ર રૈયાણી રાખી અવાર નવાર હેરાન પરેશાન કરતા હોય જેથી તેઓ ઉભા હતા. ત્યાં રાજેન્દ્ર અને તેની સાથેનો શખ્સ ઘસી આવી રાજેન્દ્રએ કહેલ કે, તને બે મહીના પહેલા કહેલ હતુ કે, તુ આપણી ગ્રામ પંચાયતમાંથી રાજીનામુ આપે દે, તો તને સમજાતુ નથી ? તેમ કહી મને જ્ઞાતિપ્રત્યે અપમાનીત કરી બંને શખ્સો ઢીકાપાટુનો માર મારી ગાળો આપવા લાગેલ હતાં. દરમિયાન તેઓની સાથે રહેલ તેમના મિત્રએ વચ્ચે પડી તેમને છોડાવેલ અને બાદમાં આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતાં.