ગુરુવાર, ડિસેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટભગવતીપરાના મુસ્લિમ દંપતી અને તેના પુત્રની પડધરી પાસે સિરિયલ કિલર નવલસિંહે જ...

ભગવતીપરાના મુસ્લિમ દંપતી અને તેના પુત્રની પડધરી પાસે સિરિયલ કિલર નવલસિંહે જ ઝેર પીવડાવી હત્યા કરી’તી

પ્રેમિકા નગ્માની હત્યાનો ભાંડો ન ફૂટે માટે ત્રણેયને તાંત્રિક વિધિ કરવાના બહાને બોલાવી પતાવી નાખ્યા’તા : આ બનાવમાં કૌટુંબિક સાળા જીગર ગોહિલે પણ નવલસિંહનો સાથ આપ્યો’તો : જીગરની ધરપકડ કરાઇ

(આઝાદ સંદેશ),રાજકોટ: પરિવારના સભ્યો સહિત 13 જણાની સોડિયમ નાઈટ્રેટ કેમિકલ પીવડાવી દઈ હત્યા નિપજાવનાર મૃતક આરોપી અને તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાએ રાજર્કોટનાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી નગ્મા નામની યુવતીની હત્યા કર્યા બાદ પોતાનો ભાંડો ન ફૂટે તે માટે નગ્માના માતા-પિતા અન ભાઈની પણ ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી. જે અંગે હવે પડધરી પોલીસમાં નવલસિંહ અને તેના કૌટુંબિક સાળા જીગર ભનુભાઈ ગોહિલ (રહે. અમદાવાદ) વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. જેમાંથી જીગરને પડધરી પોલીસે સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ પોલીસની પુછપરછમાં જીગરે એવી ચોંકાવનારી કબુલાત આપી છે કે નવલસિંહે તેને જણાવ્યું હતું કે તેને નગ્મા સાથે પ્રેમસંબંધ છે. જેથી નગ્મા લગ્ન કરવા માટે દબાણ કરી રહી છે. પરંતુ તે લગ્ન કરવા માંગતો નથી. એટલું જ નહીં તેના દબાણથી કંટાળી ગયો છે. જેથી તેને મનાવવા જવાનું છે. જે માટે તેને પોતાનો સાળો બનીને સાથે આવવાનું રહેશે. જેથી તે પોતાની સ્વીફટ ડીઝાયર કાર લઈ વઢવાણ ગયો હતો. ત્યાંથી નવલસિંહ સાથે ચોટીલા પહોંચ્યો હતો. જયાં નગ્મા અને તેના પરિવારના સભ્યો મળ્યા હતા. બીજે દિવસે નગ્મા નવલસિંહના ઘરે પહોંચી ગઈ હતી અને કોઈપણ ભોગે ત્યાંથી નહીં જાય તેવી જીદ પકડતાં નવલસિંહે તેનો કાંટો કાઢી નાંખવાનું નકકી કરી લીધું હતું. જેના ભાગરૂપે તેને ઘરે આવેલા મેલડી માતાના મઢમાં લઈ ગયો હતો અને બોટલમાંથી પાવડરવાળું પાણી પીવડાવ્યું હતું. જેથી નગ્માને ઊલ્ટી થવા લાગતાં તેને પકડીને મકાનના ઉપરના માળે લઈ ગયો હતો. થોડી વાર બાદ નગ્મા મરી ગયાનું જણાવી તેની લાશના કટકા કરી ભાણેજ શક્તિરાજ ઉર્ફે કાનો (રહે.વાંકાનેર)ને કોલ કરી ખાડો ખોદવા કહ્યું હતું.ત્યાર પછી નગ્માની લાશને નવલસિંહની કારમાં વાંકાનેર લઈ જઈ તેના ભાણેજ શક્તિરાજ ઉર્ફે કાનાએ ખોદેલા ખાડામાં દાટી દીધી હતી. આ ઘટનાક્રમ બાદ નગ્મા નહીં મળતાં તેના પરિવારજનો બેબાકળા બની ગયા હતા. જેથી તેમણે નવલસિંહનો સંપર્ક કરતાં તેણે નગ્મા કોઈની સાથે ભાગી ગયાનું અને ત્રણેક માસ બાદ પરત આવી જશે તેમ કહ્યું હતું.
પરંતુ નગ્મા પરત નહીં આવતા તેના પરિવારજનોએ પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. પરિણામે નવલસિંહને પોતાનો ભાંડો ફૂટી જશે તેમ જણાતાં તેણે કૌટુંબિક સાળા જીગરને આ વાત કરી હતી. જેથી જીગર પોતાની ડીઝાયર કાર લઈ અમદાવાદથી વઢવાણ પહોંચ્યો હતો અને નવલસિંહને મળતાં તેણે કહ્યું કે આપણે હવે નગ્માના માતા-પિતા અને તેના ભાઈનો નિકાલ કરી નાખવો પડશે. રાજકોટ જઈ આ લોકોને વીધિ કરવાના બહાને બોલાવી મારી પાસે જે પાવડર છે તે પીવડાવી મારી નાખીશું. તારે મદદમાં સાથે રહેવું પડશે.
જેથી યોજના મુજબ તે અને નવલસિંહ તેની ડિઝાયર કારમાં રાજકોટ આવવા નીકળ્યા હતા. રસ્તામાં નવલસિંહે તેને એક સફેદ કલરના પાવડરની પડીકી બતાવી કહ્યું કે આ પાવડર પીવડાવશું એટલે પોસ્ટમોર્ટમમાં ઝેર નહીં પરંતુ હાર્ટએટેક જ આવશે. બાદમાં બને ચોટીલા પહોંચ્યા હતા. જયાં એક પાનના ગલ્લેથી કાગળ લઈ નવલસિંહે કારમાં જ નગ્માના પિતાના નામે એક સ્યુસાઈડ નોટ બનાવી હતી. જેમાં નગ્માના પિતાના નામે એવું લખ્યું હતું કે આર્થિક ભીંસને કારણે આ પગલું ભરી રહ્યા છે. બાદમાં બંને ચોટીલાથી રાજકોટ થઈ ગોંડલ આવ્યા હતા. ગોંડલથી જેતપુર પહોંચ્યા હતા. ત્યારે અગાઉથી વીધિના નામે બોલાવ્યા હોવાથી નગ્માના માતા-પિતા અને ભાઈ રિક્ષા લઈને ત્યાં ઉભા હતા.
ત્યારબાદ ત્રણેયને રિક્ષામાં લઈ પડધરી નજીક રામપર ગામ નજીક પહોંચ્યા હતા. જયાં જીગરને એકલો ઉભો રાખી નવલસિંહ તેમની પાસે ગયો હતો અને ત્રણેયને પાવડર અને શીશીમાંથી ઝેરી દવા પીવડાવી દીધી હતી. થોડીવાર બાદ નવલસિંહે ત્રણેય મૃત્યુ પામ્યાની ખાત્રી કરી જીગરને કહ્યું કે હવે આપણી ઉપાધી ગઈ છે. બાદમાં બંને ત્યાંથી નીકળી ગયા હતા. સ્થળ પરથી નવલસિંહે નગ્માના ભાઈ આસીફનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. આ પછી પડધરી પોલીસને ભગવતીપરામાં રહેતાં કાદરભાઈ અલીભાઈ મુકાસમ (ઉ.વ.62), તેના પત્ની ફરીદાબેન (ઉ.વ.58) અને પુત્ર આસીફ (ઉ.વ.35)ની લાશ મળી હતી. જે-તે વખતે પડધરી પોલીસે આ બનાવ સ્યુસાઈડ નોટ વગેરેને કારણે આપઘાતનો હોવાનું માની લીધું હતું. પરંતુ નવલસિંહે આ ત્રણેયની હત્યા કર્યાની જે-તે વખતે કબુલાત આપી હોવાથી તેની ખરાઈ તેના કૌટુંબિક સાળા જીગરે પણ કરતાં આખરે બંને વિરૂધ્ધ આ ત્રિપલ મર્ડર અંગે પડધરી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેમાં ફરિયાદી એલસીબીના પીએસઆઈ એચ.સી. ગોહિલ બન્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર