ગુરુવાર, ડિસેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટજૂનાગઢની યુવતીનું ખોટુ ઓપરેશન કરી નાખનાર યુનિકેર હોસ્પિટલના તબીબ ડો.જીગીશ દોશી સામે...

જૂનાગઢની યુવતીનું ખોટુ ઓપરેશન કરી નાખનાર યુનિકેર હોસ્પિટલના તબીબ ડો.જીગીશ દોશી સામે ગુનો નોંધાયો

(આઝાદ સંદેશ),રાજકોટ: જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલમાં પગનાં દુ:ખાવાની સારવાર માટે ગયેલી યુવતીના ડાબા પગની સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી દેવાની ઘટનામાં ડો.જીગીશ દોશી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ધો.12 સુધી અભ્યાસ કરનાર સપનાબેન મહેશભાઈ પટોડિયા (ઉ.20)એ પોલીસને જણાવ્યું કે, આશરે દસેક વર્ષ પહેલા જૂનાગઢમાં ગણેશ વિસર્જન સમયે ટ્રક પલ્ટી ખાઈ જતા તેને ડાબા પગે સામાન્ય ઈજા થઈ હતી. પરંતુ જે-તે વખતે સારવાર લીધી ન હતી. ધીમે- ધીમે ડાબા પગે ગોઠણથી નીચેના ભાગે દુ:ખાવો થતો હોવાથી જૂનાગઢમાં તબીબને બતાવતા સોનોગ્રાફી સહિતના રીપોર્ટ કરાવ્યા હતા. જે રીપોર્ટ જોઈ તબીબે ડાબા પગે લોહીની ગાંઠ થઈ ગઈ છે. તમારે સારવાર માટે વાસકયુલર સર્જનને બતાવવું પડશે. તેવો અભિપ્રાય આપતા તેણે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. જેમાં રાજકોટની યુનિકેર હોસ્પિટલનું સરનામું મળતાં રાજકોટ રહેતા કૌટુંબીક ફુવા સતીષભાઈને ફોન કરી આયુષ્યમાન કાર્ડ દ્વારા તે હોસ્પિટલમાં ઓપરેશન કરી અપાય છે કે કેમ ? તેની જાણ કરાવી હતી. ફુવાએ તેને તપાસ કરી હા પાડતાં તે તેના ફઈ દયાબેન (રહે. જેતલસર) સાથે ગઈ તા.3-4-24નાં યુનિકેર હોસ્પિટલે બતાવવા સાથે ગયા હતા. જયાં ડો.જીગીશ દોશીએ તેને દવાથી સારૂ થતું ન હોય તો ઓપરેશન કરાવવું પડશે, તમારે જયારે ઓપરેશન કરાવવાનું થાય તયારે મને ફોન કરી જણાવો, હું તમને તારીખ અને ટાઈમ આપી દઈશ તેમ કહ્યું હતું. તેને પગનો દુ:ખાવો વધુ થતો હોવાથી તે તા. 24-4-24ના યુનિકેર હોસ્પિટલમાં સારવારમાં દાખલ થયા હતા. જયાં જરૂરી ટેસ્ટ અને રીપોર્ટ કરી ડો. દોશીએ તા. 25નાં તેનાં ડાબા પગનું ઓપરેશન કર્યું હતું. બાદમાં તેને તેના પિતાએ વાત કરી હતી કે ’તબીબે મને એવું જણાવ્યું હતું કે, તમારી દિકરીને જમણા પગમાં પણ નાની ગાંઠ હતી તેનું પણ ઓપરેશન કરી દીધું છે.’ હોસ્પિટલમાંથી ગઈ તા.26 એપ્રિલનાં રજા અપાતા તે ઘરે ગઈ હતી. ઓપરેશન બાદ ડાબા પગમાં સારૂ થઈ ગયું હતું પરંતુ જમણાં પગમાં દુ:ખાવો થતો હોવાથી તે ફઈ સાથે ફરી બતાવવા આવતા ડો.દોશીએ ’તમે આરામ કરો છ મહિનામાં સારૂ થઈ જશે, તમારે બીજા કોઈ રીપોર્ટ કરાવવાની જરૂર નથી, તેમ કહ્યું હતું.’ પરંતુ સારૂ ન થતા તેણે ફરી જૂનાગઢમાં તબીબને બતાવી એમ.આર.આઈ. કરાવતાં તબીબે ’ઓપરેશન વખતે જમણા પગમાં કોઈ ભુલ થવાથી ગોઠણનાં નીચેના ભાગે આવતી નસ થોડી દૂર જતી રહી છે, જેથી તમને દુ:ખાવો થયા કરે છે’ તેમ કહ્યું હતું. આથી તેણે ફરી રાજકોટ આવી ડો. દોશીને બતાવતા તેણે ફરી આરામ કરવાની સલાહ આપી હતી. પરંતુ સારૂ ન થતા ડાબા પગની સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી 4 નાખતા પોલીસમાં અરજી કરી હતી. બીજી તરફ તબીબી તપાસ કમીટીએ અભિપ્રાય આપ્યો હતો કે, દર્દીના જમણા પગમાં કરવામાં આવેલા ઓપરેશન અંગે સારવાર કરનાર તબીબની બેદરકારી નકારી શકાય નહીં. ઓપરેશનનું કારણ શંકાસ્પદ જણાય છે. દર્દીનું ઓપરેશન પી.એમ. જે.વાય. યોજના અંતર્ગત થયું છે તે બાબતનું હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ પ્રીઓથોરાઈઝેશન અને પેકેજ એપ્રુવલ લેટર અભ્યાસ કરતા તેમના દ્વારા ઓપરેશન માટે પ્રીઓથોરાઈઝેશન અને પેકેજ એપ્રુવલ લેટર મેળવેલ છે તેવા અભિપ્રાય આપતા ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર