ગજેન્દ્રસિંહ ચાવડાએ ઝાલોદ ખાતે પગલું ભરી લીધું : ડેપો મેનજર દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ
(આઝાદ સંદેશ), રાજકોટ : મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ-ડાભલા ગામના ગજેન્દ્રસિંહ ચાવડા રાજકોટના જસદણ ડેપોમાં ફરજ બજાવતા હતા. તારીખ 15 ડિસેમ્બરના રોજ જસદણથી એસટી બસ પેસેન્જર ભરીને ઝાલોદ જવા રવાના થઇ હતી, જે બસ 16 ડિસેમ્બરની વહેલી સવારે 6:45 વાગ્યાની આસપાસ ઝાલોદ એસટી બસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં પેસેન્જરોને ઉતારી બસ ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચાવડા બસમાંથી ઉતરી રેસ્ટ રૂમમાં ગયા હતા, ત્યાં થોડીવાર રોકાયા બાદ ફરીથી બસમાં આવ્યા હતા. આ દરમિયાન બસમાં કોઈ ન હોવાથી બસના ઉપરના ભાગે આવેલા હૂકમાં કપડું લગાવી ગળે ફાંસો ખાધો હતો.
રેસ્ટ રૂમમાં ડ્રાઇવર પરત ન ફરતા કંડક્ટરે શોધખોળ કરી હતી. છેલ્લે કંડકટર પાર્ક કરેલી બસમાં જઈને જોયું તો ત્યાં ડ્રાઇવર ગળાફાંસો ખાધેલી હાલત જોવા મળ્યા હતા. ત્યારબાદ બસ સ્ટેશનના કર્મચારીઓ અને અન્ય બસના ડ્રાઈવરો દોડી આવ્યા હતા અને તાત્કાલિક નીચે ઉતારી સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાં હાજર તબીબે તપાસ કરી મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઝાલોદ ખાતે દોડી આવ્યાં હતાં અને આપઘાત મામલે મૃતકના ભાઈ નાગેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું કે, જસદણ ડેપોના મેનેજર મારા ભાઈને ખૂબ જ ત્રાસ આપતા હતા, રજા પણ આપવામાં આવતી ન હતી. દરરોજ અલગ અલગ રૂટની બસ આપવામાં આવતી હતી. આવા અનેક પ્રકારની ત્રાસ આપતા હતા.