રેતીના પ્લાન્ટમાં મજૂરી કરતા ધનજીભાઈ ચાવડા (ઉ.વ.50) બુધવારે રજા હોય પોતાના વતન જવા ચાલીને નીકળ્યા’તા : રાજકોટ સિવિલમાં સારવારમાં દમ તોડ્યો
(આઝાદ સંદેશ), રાજકોટ : પડધરી નજીકના રંગપર ગામના પાટીયા પાસે કારની ઠોકરે ચોટીલાના પ્રૌઢનું કમકમાટીભર્યુ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગેની જાણ થતા પડધરી પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ ચોટીલાના ચીરોડા ગામના વતની અને હાલ જામનગર રોડ પર આવેલ રંગપર ગામ નજીક આવેલ રેતીના પ્લાન્ટમાં મજુરી કામ કરતા ધનજીભાઇ ઉકાભાઇ ચાવડા (ઉ.વ.50) ગઇકાલે બુધવારે પ્લાન્ટમાં રજા હોય જેથી પોતાના વતન જવા તેઓ પગપાળા હાઇવે પર ચાલીને જતા હતા ત્યારે રંગપરના પાટીયા પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવેલ અજાણ્યા કારના ચાલકે તેમને હડફેટે લેતા રોડ પર ફંગોળાયા હતા. ત્યારે પ્રૌઢને ગંભીર ઇજા પહોંચતા કાર ચાલકે માનવતા દાખવી 108ને જાણ કરી હતી. જોકે 108ની ટીમ પહોંચે તે પહેલા જ તેમનું મોત નિપજયું હતું. બનાવ અંગે પડધરી પોલીસને જાણ થતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવહી કરી મૃતદેહને પીએમમાં રાજકોટ સીવીલ ખસેડાયો હતો. મૃતક સાત ભાઇ-બહેનમાં વચેટ અને સંતાનમાં બે પુત્ર-પુત્રી છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.