તેજસ ઉર્ફે પંકજ ડાભી (ઉ.વ.29) શ્રાદ્ધ માટે પિયર ગયેલી પત્ની કાજલને હડમતીયા ગામે લેવા જતો’તો : રાજકોટ સારવારમાં દમ તોડ્યો
રાજકોટ : જસદણના હિંગોળગઢ નજીક એક કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં વીંછિયાના ૨૯ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોતાની પત્નીને તેડવા માટે હડમતીયા ગામે જઈ રહેલા આ યુવાનના કમનસીબ મોતથી બે માસુમ બાળકોએ પિતાની છત્રછાંયા ગુમાવી છે, જેના લીધે સમગ્ર પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, વીંછિયા ખાતે રહેતો ૨૯ વર્ષીય તેજસભાઈ (પંકજભાઈ) પરોત્તમભાઈ ડાભી ગઈકાલે બપોરે પોતાના બાઇક પર પત્ની કાજલબેનને હડમતીયા ગામેથી લેવા માટે નીકળ્યો હતો. રસ્તામાં લાલાવદર અને હિંગોળગઢ વચ્ચે એક પૂરપાટ ઝડપે આવતી કારે તેના બાઇકને જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં તેજસભાઈ બાઇક સાથે દૂર ફંગોળાઈ જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા તેજસભાઈને તાત્કાલિક વીંછિયા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિંછીયા પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક તેજસભાઈ બે ભાઈ અને બે બહેનોમાં સૌથી મોટા હતા અને જીન મીલમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શ્રાદ્ધ પ્રસંગે પિયર ગયેલી પત્નીને તેડવા જતાં જ તેમને આ અકસ્માત નડ્યો હતો. પરિવારના મુખ્ય આધારસ્તંભ સમાન યુવાનનું અચાનક અવસાન થતાં અને બે નાના બાળકોએ પિતા ગુમાવતાં ડાભી-કોળી પરિવારમાં ભારે કલ્પાંત છવાઈ ગયો છે.


