નેશનલ હેલ્થ એકાઉન્ટ્સના અહેવાલ મુજબ રાષ્ટ્રીય સ્તરે માથાદીઠ સરકારી આરોગ્ય ખર્ચ રૂ.૨,૯૫૯, બિહારમાં માત્ર રૂ.૧,૧૨૬
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દેશના વિવિધ રાજ્યોમાં આરોગ્ય સેવાઓ પાછળ થતા સરકારી ખર્ચમાં ભારે પ્રાદેશિક અસમાનતા જોવા મળી રહી છે. વર્ષ ૨૦૨૩-૨૪ના નેશનલ હેલ્થ એકાઉન્ટ્સના અંદાજ મુજબ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઝારખંડ જેવા આર્થિક રીતે પછાત ઉત્તરીય રાજ્યોમાં માથાદીઠ સરકારી આરોગ્ય ખર્ચ સરેરાશ રૂ.૧,૬૫૧ નોંધાયો છે. આ આંકડો પૂર્વોત્તર રાજ્યોની સરેરાશ રૂ.૩,૫૦૧ કરતાં અડધાથી પણ ઓછો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરેરાશ રૂ.૭,૨૦૯ કરતાં લગભગ ચોથા ભાગનો છે. ખાસ કરીને બિહારમાં માથાદીઠ ખર્ચ દેશમાં સૌથી ઓછો માત્ર રૂ.૧,૧૨૬ અને ઉત્તર પ્રદેશમાં રૂ.૧,૩૯૯ રહ્યો છે.
નેશનલ હેલ્થ એકાઉન્ટ્સના અહેવાલ મુજબ રાષ્ટ્રીય સ્તરે ૨૦૨૩-૨૪માં કુલ સરકારી આરોગ્ય ખર્ચ રૂ.૪.૧ લાખ કરોડ રહ્યો હતો, જે માથાદીઠ રૂ.૨,૯૫૯ થાય છે અને દેશના કુલ જીડીપીના ૧.૪૩ ટકા જેટલો છે. રાજ્યોની વાત કરીએ તો સિક્કિમ રૂ.૧૬,૦૨૬ના માથાદીઠ ખર્ચ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંદીગઢ રૂ.૨૪,૧૮૭ સાથે મોખરે છે. પૂર્વોત્તર રાજ્યોમાં મિઝોરમ રૂ.૯,૩૨૦, અરુણાચલ પ્રદેશ રૂ.૮,૮૮૫ અને મેઘાલય રૂ.૭,૫૩૩માં ઊંચો ખર્ચ જોવા મળ્યો છે, જ્યારે આસામમાં રૂ.૨,૨૮૨ રહ્યો છે. બીજી તરફ, દક્ષિણ ભારતીય રાજ્યોની સરેરાશ રૂ.૨,૯૬૦ સાથે રાષ્ટ્રીય સરેરાશની નજીક રહી છે, જેમાં કેરળ રૂ.૩,૩૯૬, આંધ્ર પ્રદેશ રૂ.૩,૩૪૭ અને તેલંગાણા રૂ.૩,૧૨૫ સાથે આગળ છે, જ્યારે તમિલનાડુ રૂ.૨,૮૬૦ અને કર્ણાટક રૂ.૨,૪૪૬ પાછળ રહ્યા છે.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુડુચેરીમાં રૂ.૧૧,૧૬૫, લક્ષદ્વીપમાં રૂ.૯,૬૪૩, આંદામાન-નિકોબારમાં રૂ.૮,૯૪૭ અને દિલ્હીમાં રૂ.૮,૬૧૧ માથાદીઠ ખર્ચ નોંધાયો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં રૂ.૩,૩૩૯ અને દાદરા-નગર હવેલી તથા દમણ-દીવમાં રૂ.૨,૨૯૩ ખર્ચ થયો છે. આરોગ્ય નીતિ નિષ્ણાત ડૉ. ચંદ્રકાંત લહરિયાના મતે, આ તફાવત રાજ્યોની નાણાકીય ક્ષમતા, વસ્તીનું કદ અને રાજકીય પ્રાથમિકતાઓ દર્શાવે છે. વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં સંસાધનોની મર્યાદા રહે છે, જ્યારે પૂર્વોત્તરના દુર્ગમ વિસ્તારોમાં છૂટીછવાઈ વસ્તી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો ખર્ચ સ્વાભાવિક રીતે ઊંચો આવે છે. જોકે, નિષ્ણાતો માને છે કે માત્ર માથાદીઠ ખર્ચના આંકડા જ આરોગ્ય સેવાઓની ગુણવત્તા કે સુલભતાનો સંપૂર્ણ માપદંડ બની શકતા નથી.


