વાવાઝોડું આગામી 48 કલાકમાં ભયંકર સ્વરૂપ ધારણ કરશે, 145 કિમીની ઝડપે ફૂંકાશે પવન
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘અકવાન’ હવે અત્યંત ખતરનાક રૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની ચેતવણી મુજબ, આ વાવાઝોડું આગામી 48 કલાકમાં ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને 20 નવેમ્બરની બપોરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. લેન્ડફોલ સમયે પવનની ઝડપ 145 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સંભવિત ખતરાને જોતા આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટીય વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન મુજબ, ‘અકવાન’ વાવાઝોડું હાલમાં દક્ષિણ-મધ્ય બંગાળની ખાડીમાં ચેન્નઈથી 610 કિમી પૂર્વમાં અને મછલીપટ્ટનમથી 660 કિમી દૂર સ્થિર જોવા મળી રહ્યું છે. જોકે, હવામાન વિભાગના રિપોર્ટ મુજબ આ શાંતિ એક ભ્રમ છે. અનુમાન છે કે તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને 19 નવેમ્બરની સવાર સુધીમાં અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ જશે. 20 નવેમ્બરે બપોરના સુમારે તે આંધ્રપ્રદેશના નેલ્લોર અને તુની વચ્ચે લેન્ડફોલ કરશે.આ વાવાઝોડાની અસર માત્ર આંધ્રપ્રદેશ પૂરતી સીમિત નહીં રહે. ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 17 થી 20 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર તટીય આંધ્રપ્રદેશમાં 19 અને 20 નવેમ્બરે અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી છે.
ઓડિશામાં પણ 19 થી 21 નવેમ્બર વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું જ્યારે કાંઠે ત્રાટકશે ત્યારે પવનની સરેરાશ ઝડપ 120 થી 130 કિમી પતિ કલાક રહેશે. ઓરેન્જ એલર્ટના પગલે સ્થાનિક વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. માછીમારોને કોઈપણ સંજોગોમાં દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. કાચા મકાનોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા અને ખાવા-પીવા તથા વીજળીની યોગ્ય વ્યવસ્થા અગાઉથી કરી લેવાની અપીલ કરવામાં આવી છે.


