રામલીલા મેદાન નજીક આવેલ કનોટ પ્લેસ, પાલિકા બજાર, સુપર બજાર, જનપથ અને ચાવડી બજાર સૌથી વધુ પ્રભાવિત થયા
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી ‘ઇન્ડિયા’ ગઠબંધનની મહારેલીની સીધી અસર રાજધાનીના મુખ્ય બજારો પર જોવા મળી છે. ખાસ કરીને કનોટ પ્લેસ સહિત આસપાસના 20 બજારોમાં દિવાળીના તહેવારની ખરીદીમાં ભારે ઘટાડો નોંધાયો હોવાનો આરોપ વેપારીઓએ લગાવ્યો હતો. વેપારી સંગઠનોના દાવા મુજબ, આ રેલીના કારણે અંદાજે દિલ્હીમાં અંદાજે 11 હજાર કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે અને કનોટ પ્લેસ જેવા વ્યસ્ત બજારમાં વેચાણ માત્ર 40 ટકા સુધી જ સીમિત રહ્યું છે.
ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચેરમેન બ્રિજેશ ગોયલના જણાવ્યા અનુસાર રામલીલા મેદાનની નજીક હોવાથી કનોટ પ્લેસ, પાલિકા બજાર, સુપર બજાર, જનપથ અને ચાવડી બજાર સૌથી વધુ પ્રભાવિત થયા હતા. રવિવારે રેલી દરમિયાન કનોટ પ્લેસના આઉટર સર્કલથી મિન્ટો બ્રિજ સુધી નેતાઓની માર્ચના કારણે બજારમાં અનિશ્ચિતતા અને ડરનો માહોલ જોવા મળ્યો હતો. મોટાભાગની દુકાનો બંધ રહી હતી અને ખુલ્લી જગ્યાઓમાં પ્રદર્શનકારીઓ આરામ કરતા તથા જમતા જોવા મળ્યા હતા. વધુમાં તેમને ઉમેર્યું હતું કે,ડરના કારણે આસપાસના શહેરોમાંથી આવતા વેપારીઓએ દિલ્હી આવવાનું ટાળ્યું હતું. સામાન્ય રીતે તહેવારોમાં 5 લાખ ગ્રાહકો આવતા હોય છે, તેની સામે માંડ 1 લાખ લોકો જ બજારમાં પહોંચ્યા હતા અને માત્ર 20 ટકા દુકાનો જ ખુલ્લી રહી હતી.
દિવાળીની ખરીદી પ્રભાવિત થવાની આશંકાએ વેપારીઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ અને મમતા બેનર્જીને પત્ર લખીને રેલી મુલતવી રાખવા અપીલ કરી હતી. ન્યૂ દિલ્હી ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ અતુલ ભાર્ગવે અદાલતને અપીલ કરી છે કે વેપારીઓની આજીવિકા બચાવવા કનોટ પ્લેસને વિરોધ પ્રદર્શનોથી મુક્ત રાખવું જોઈએ. બીજી તરફ, કોંગ્રેસે સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો હતો કે દુકાનો ભાજપ દ્વારા બંધ કરાવવામાં આવી છે.મહત્વનું છે કે, રેલીમાં 10 લાખ લોકો ભેગા થવાના દાવા સામે ભીડ ઓછી જોવા મળી હતી. કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે બપોર બાદ સ્થિતિ થાળે પડી હતી. ચાંદની ચોક સર્વ વ્યાપાર મંડળના પ્રમુખ સંજય ભાર્ગવે જણાવ્યું કે ગ્રાહકો આશ્વસ્ત થઈને બપોર પછી બજારોમાં ઉમટી પડ્યા હતા. સદર બજાર અને ચાંદની ચોકમાં સાંજ સુધીમાં દિલ્હી અને એનસીઆરના ખરીદદારો આવતાં વેપારીઓમાં થોડો ઉત્સાહ જોવા મળ્યો હતો.


