રાજકોટ રૂરલ એલસીબી અને શાપર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુખ્ય આરોપી પ્રતાપ સોલંકી અને અંદરની બાતમી આપનાર કર્મી ધીરુ ચાવડાને દબોચી લીધા
રાજકોટ : રાજકોટના શાપર વિસ્તારમાં આવેલા મેઇન રોડ પર સ્થિત પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડ નામની ટ્રેક્ટર કંપનીને નિશાન બનાવી રૂ. ૧ કરોડની ખંડણી માંગવાના પ્રકરણનો રાજકોટ રૂરલ એલસીબી અને શાપર પોલીસે પર્દાફાશ કર્યો છે. કંપની વિરુદ્ધ અલગ-અલગ સરકારી વિભાગોમાં ખોટી અરજીઓ કરાવીને દરોડા પડાવવાના આ ગંભીર કારસ્તાનમાં પોલીસે કંપનીના જ એક કર્મચારી સહિત બે મુખ્ય શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે ચર્ચા જાગી છે.
ફરિયાદી મનીષભાઈ મગનભાઈ વિરમગામાએ શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગ ગઇ તા. ૨૧ ઓગસ્ટના રોજ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ત્યારબાદ નાયબ શ્રમ આયુક્તની કચેરી અને તા. ૧૨ ના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા કંપનીમાં તપાસ કરવામાં આવી હતી. વારંવાર થતી આ તપાસ પાછળનું રહસ્ય શોધતા ખબર પડી કે અંબિકા ટાઉનશીપમાં રહેતો પ્રતાપ સોલંકી સરકારી વિભાગોમાં ખોટી અરજીઓ કરી રહ્યો છે. આ મામલે વકીલ મારફતે સંપર્ક કરતા આરોપીએ પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સાથે સારા સંબંધો હોવાનું કહી શરૂઆતમાં રૂ. ૧ કરોડની માગણી કરી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
આરોપી પ્રતાપ સોલંકીએ ધમકી આપી હતી કે જો રૂ. ૧ કરોડ નહીં મળે તો તે ૩૦ લાખ આપવા જ પડશે અને નહીંતર જી.પી.સી.બી. તેમજ એટ્રોસિટી જેવી ખોટી ફરિયાદો દાખલ કરી કંપનીને પાયમાલ કરી નાખશે. વધુમાં, સોશિયલ મીડિયા પર કંપનીની બદનામી કરવા અને ટાંગિયા ભાંગી નાખવાની ચીમકીઓ પણ આપવામાં આવી હતી. આરોપીના ત્રાસથી કંટાળીને કંપની દ્વારા હાલ પૂરતા રૂ. ૧ લાખ રોકડ ચૂકવવામાં આવ્યા હતા અને બાકીના રકમ માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.પી. રાવ અને શાપર પીઆઈ આર.બી. રાણાની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે મુખ્ય સૂત્રધાર પ્રતાપ મગન સોલંકી અને કંપનીનો જ અંદરનો ભેદી કર્મચારી ધીરુ રામજી ચાવડાને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં ખૂલ્યું કે આરોપી પ્રતાપ સોલંકીને કંપનીની અંદરની તમામ ગુપ્ત વિગતો અને માહિતી આ કર્મચારી ધીરુ ચાવડા જ પૂરી પાડતો હતો, જેના આધારે તે ખોટી અરજીઓનું કારસ્તાન ચલાવતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૧ લાખ અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧.૩૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ સમગ્ર સફળ ઓપરેશનમાં રૂરલ એલસીબી પીએસઆઈ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તેમજ શાપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સક્રિયપણે જોડાયો હતો. હાલ પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તેમજ કઈ-કઈ જગ્યાએ આ પ્રકારે ખંડણી વસૂલવામાં આવી છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


