આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરાયેલી તસવીરમાં પણ ખામીઓ રાખી દીધી હોવાનું કહી મજાક ઉડાવી
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સોમવારે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ‘ઇન્ડિયા’ ગઠબંધનની રેલીમાં વિશાળ ભીડ દર્શાવવા માટે કોંગ્રેસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે, એઆઈ દ્વારા જનરેટ કરાયેલી તસવીરનો ઉપયોગ કર્યો છે.
કિરેન રિજિજુએ કોંગ્રેસની મજાક ઉડાવતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ ઓછામાં ઓછી આ એઆઈ-જનરેટેડ તસવીરને યોગ્ય રીતે તૈયાર કરવાની તસ્દી લેવી જોઈતી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું, હતું કે, રામલીલા મેદાનમાં મોટી ભીડ બતાવવા માટે, કોંગ્રેસ પાર્ટીએ બરાબર તૈયાર કરવો જોઈતો હતો. રામલીલા મેદાન ભરેલું હતું તેવું દર્શાવવા માટે કોંગ્રેસ પાર્ટીની ફેક નેરેટિવ ટીમ દ્વારા નકલી એઆઈ ફોટો પણ યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યો નથી!
મહત્વનું છે કે, રવિવારે રામલીલા મેદાન ખાતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા યોજાયેલી આ મેગા રેલીમાં વિપક્ષના અનેક અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ‘ઇન્ડિયા’ ગઠબંધનના આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. અન્ય અગ્રણી નેતાઓમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, અખિલેશ યાદવ, મમતા બેનરજી, ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને તેજસ્વી યાદવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે, વિશાળ જનમેદનીને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવ્યા બાદ વિપક્ષ સીધો જ ભાજપના ટોચના નેતૃત્વ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે મેદાને પડશે. ભાજપ અને મુખ્ય ચૂંટણી કમિશનર વિરોધી નારાઓ વચ્ચે રાહુલે દાવો કર્યો હતો કે વિપક્ષના આ આંદોલનને કારણે આ ત્રણેયની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્તમાન સીઈસી જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવા એ દેશની લોકશાહીને ફરી સાચા પાટા પર લાવવાની દિશામાં પ્રથમ અને અત્યંત મહત્વનું પગલું સાબિત થશે.


