ફેમિલી કોર્ટનો હુકમ: બાકી નીકળતી રકમ ન ભરતા જામનગરના પતિ સામે કાર્યવાહી
રાજકોટ : રાજકોટ ફેમિલી કોર્ટે પત્નીને ભરણપોષણની બાકી રકમ ન ચૂકવનાર પતિ સામે કડક વલણ અપનાવીને ૧૧૬ દિવસની સાદી જેલની સજાનો હુકમ કર્યો છે. કોર્ટે જામનગર એસ.પી. ઓફિસને પતિ સામે પકડવોરંટ ઇશ્યૂ કરી તાત્કાલિક ધરપકડ કરીને જેલહવાલે કરવા આદેશ આપ્યો છે.
આ કેસની વિગત અનુસાર, રાજકોટના રહેવાસી યાસ્મીનબેન શાહમદારે જામનગરના હુસેણી ચોક વિસ્તારમાં રહેતા પતિ ફારૂકશા શાહમદાર સામે સી.આર.પી.સી. કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ મેળવવા અરજી કરી હતી. કોર્ટે અરજી મંજૂર રાખીને પતિને દર મહિને રૂ. ૬,૦૦૦ ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ હુકમનું પાલન ન થતાં, પત્નીએ એડવોકેટ મારફત રૂ. ૧,૨૫,૦૦૦ની ચડત રકમ મેળવવા રાજકોટ ફેમિલી કોર્ટમાં ફરી અરજી દાખલ કરી હતી. કોર્ટની નોટિસ બજવણી બાદ પતિએ રૂ. ૫૫,૦૦૦ ભરપાઈ કર્યા હતા, પરંતુ બાકીના રૂ. ૭૦,૦૦૦ ભર્યા ન હતા અને વોરંટની બજવણી ટાળી રહ્યા હતા. આ બાબતને ધ્યાને લઈ અને વકીલની દલીલો માન્ય રાખીને અદાલતે બાકી રકમ ન ચૂકવવા બદલ ૧૧૬ દિવસની સાદી જેલ સજાનો આદેશ સંભળાવ્યો છે. આ કેસમાં પત્ની પક્ષે પી એન્ડ આર લો ચેમ્બર્સના વકીલો રોકાયેલા હતા.


